– બોગસ આધારકાર્ડ બનાવી તૈયાર કરેલો સાટાખત કોર્ટમાં પણ રજૂ કરી દીધોઃ પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
બારડોલી : સુરત જિલ્લાના કામરેજ ખાતે અમેરિકા રહેતા ખેડૂતની જમીનના ચાર જણાએ બોગસ સાટાખત બનાવી લીધા હતા.નોટરી વકીલે જમીન માલિકની ખાત્રી કર્યા વિના નોટરી કરી કોર્ટમાં રજૂ કરતા આ મામલે ખેડૂતના પાવરદારે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરત વરાછા એલ.એચ.રોડ ઉપર આવેલી ત્રીકમનગર સોસાયટી વિભાગ-૦૧ માં રાજુ મગનભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને હીરાનો વેપાર કરે છે.રાજુભાઈ અવારનવાર અમેરિકા ખાતે જાય છે અને ત્યાં રહે છે.રાજુભાઈના સાઢુભાઈ અમૃત ખુશાલભાઈ પટેલ નવેમ્બર ૨૦૧૯થી અમેરિકા રહે છે.અમૃતભાઈ પટેલના ભાઈ રમેશ ખુશાલભાઈ પટેલ પણ અમેરિકા રહે છે.રમેશભાઈની કામરેજ ગામે બ્લોક નં.૧૩૪ સર્વે નં.૧૩૮/૧ વાળી જૂની શરતની આશરે ચાર વિઘા જમીન આવેલી છે.તેમજ અમેરિકા ખાતે વર્ષ ૨૦૧૯ માં અવસાન પામેલા નટવર જીવણભાઈ પટેલની પણ કામરેજ ગામે બ્લોક નં.૧૩૩ સર્વે નં.૧૩૮/૨ વાળી આશરે ચાર વિઘા જમીન છે. નટવરભાઈના અવસાન બાદ હાલમાં વારસદારો રાજેન્દ્ર નટવરભાઈ પટેલ તથા ઇલાબેન નટવરભાઈ પટેલના નામે ચાલે છે.અને તેઓ પણ અમેરિકા રહે છે.અમૃતભાઈ છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી બંને જમીન વહીવટ કરતાં હતાં.ગત ડિસેમ્બર ૨૦૨૦ માં રાજુભાઈ અમેરિકાથી પરત આવ્યા તે સમયે જમીનમાં કોઈ બાંધકામ કરતાં હોવાનું જણાતા રાજુભાઈએ અમેરિકા સાઢુભાઈ અમૃતભાઈને ફોન કરી તમે જે તમારા ભાઈની જમીનનો વહીવટ કરો છો તે કોઈને વેચાણ કરેલી છે ? તમારી જમીનમાં બાંધકામ ચાલે છે.તેમ જણાવતાં અમૃતભાઈએ આ જમીનનો સોદો જીતેન્દ્ર રમેશચંદ્ર શર્મા (રહે.દેવનાગરી સોસાયટી, કામરેજ) હસ્તક પુનાભાઈ મેરાભાઈ ચોસલા (રહે. ઉશ્કેર રામકુંડ,તા.માંડવી,જિ.સુરત) સાથે કરેલો અને સોદાચિઠ્ઠી કરેલી હતી.પરંતુ તેઓએ સમયમર્યાદામાં પૈસા ન આપતાં સોદાચિઠ્ઠી રદ કરેલી છે અને તેનું લખાણ પુનાભાઈએ આપેલું હતું.જમીન આપણી છે.આપણે કોઈને વેચાણ આપેલી નથી. તેમ જણાવ્યું હતું.રાજુભાઈ પટેલના નામે તમામે પાવર ઓફ એટર્ની મોકલી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.અમૃતભાઈ તા.૨૦-૧૦-૨૦૨૧ ના રોજ ભારત આવેલા હતા અને તમામ પાવર ઓફ એટર્નીના આધારે રાજુભાઈએ તપાસ કરતા જમીન પુનાભાઈ ચોસલાએ ગેરકાયદેસર કબજો કરી ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કઠોર કોર્ટમાં પુનાભાઈએ સ્પે.દી.મુ.નં.૪/૨૦૨૨ થી દાખલ કરેલો હતો.જેની નકલ ટપાલમાં રાજુભાઈને મળી હતી. જેમાં કબજા સાથેનો સાટાખત તા.૦૬-૦૮-૨૦૨૦ ના રોજ જીતેન્દ્ર રમેશચંદ્ર શર્માએ પુનાભાઈને સાટાખત કરી આપ્યો હતો.જેમાં સાક્ષી તરીકે રમેશ માધુભાઈ ગાંગાણી (રહે સાગર સોસાયટી,કાપોદ્રા, સુરત) તથા લાલા ઘુડાભાઈ ભરવાડ (રહે. શ્રીવિલા રેસીડેન્સી,ડુંગર તા.કામરેજ) એ સહી કરેલી હતી.તા.૨૩-૧૦-૨૦૧૦ ના રોજ અમૃતભાઈએ પુનાભાઈને સોદા ચિઠ્ઠી કરી આપી હતી.તથા અમૃતભાઈનું આધારકાર્ડની નકલ રજૂ કરેલી હતી.અમૃતભાઈની અંગ્રેજીમાં સહી કરેલી હતી.જે કાગળો અમૃતભાઈને બતાવતા અમૃતભાઈએ સોદા ચિઠ્ઠીના દરેક પાના ઉપર સહી બોગસ જણાઈ હતી.તેમજ આધારકાર્ડ ઉપર પણ બોગસ સહી કરેલ હોવાનું જણાતાં જીતુ શર્માને જમીન માલિકોએ કોઈ પાવર લખી આપેલો નથી અને કોઈપણ જાતના અધિકાર પણ આપેલો નથી. તેમ છતાં બોગસ સાટાખત નોટરી વકીલ સંગીતા કે.શાહ રૂબરૂ તા.૧૧-૦૮-૨૦૨૦ ના રોજના પુનાભાઈને કરી આપેલો હતો.પુનાભાઈ ચોસલા અને જીતેન્દ્ર શર્મા એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરૂં રચી બોગસ સાટાખત અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અમૃતભાઈની બોગસ સહી કરી હતી.નોટરી સંગીતાબેન શાહે પણ જમીન માલિકી અંગે કોઈ ખાત્રી કર્યા વિના સાટાખત નોટરી કરી આપેલો હતો. જે તમામ કાગળો સાચા હોવાનું જણાવી કઠોર કોર્ટમાં રજૂ કરી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.જમીન પચાવી પાડવા માટે ગુનાહિત ષડયંત્ર કરવા અંગે રાજુભાઈએ કામરેજ પોલીસમાં ફરિયાદ આપી તમામ કાગળો રજૂ કરતાં પોલીસે પુનાભાઈ ચોસલા,જીતેન્દ્ર શર્મા,રમેશ ગાંગાણી,લાલા ભરવાડ અને નોટરી વકીલ સંગીતા શાહ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


