– હિજાબ પછી હવે કર્ણાટકમાં નવો વિવાદ શરૂ થયો
– હિજાબ વિવાદમાં વાર્ષિક પ્રેક્ટિકલ છોડી દેનારી વિદ્યાર્થિનીઓને બીજી તક નહીં : કર્ણાટક સરકારનો આકરો નિર્ણય
બેંગ્લુરુ : કર્ણાટકમાં હિજાબ પછી હવે મદરેસાનો વિવાદ શરૂ થાય એવી શક્યતા છે.કર્ણાટકના શિક્ષણ મંત્રી બેલુર નાગેશે જણાવ્યું હતું કે મદરેસાઓમાં આધુનિક શિક્ષણ મળતું નથી.અમે ફેરફાર કરવા તૈયાર છીએ.જો મદરેસાઓ તૈયાર હોય તો અમે એક સરખી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવા સજ્જ છીએ.આ નિવેદન પછી રાજ્યમાં ફરીથી વિવાદ થાય એવી શક્યતા છે.
કર્ણાટકમાં હિજાબ વિવાદ થયો હતો.વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજમાં જતી હોવાના મુદ્દે દેખાવો થયો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.હવે એવો જ બીજો વિવાદ થાય એવી શક્યતા છે. હિજાબ વિવાદ પછી હવે મદરેસાઓને લઈને વિવાદ થઈ શકે છે.કર્ણાટક સરકારના શિક્ષણ મંત્રી બેલુર નાગેશે એક નિવેદન આપ્યું હતું કે મદરેસાઓમાં બાળકોને આધુનિક ઢબે શિક્ષણ મળતું નથી.લઘુમતી કલ્યાણ બોર્ડમાંથી મળતા ફંડમાંથી મદરેસાઓ ચાલે છે,પરંતુ એમાં ટેકનિકલ શિક્ષણ આપવામાં આવતું નથી.તેના કારણે બાળકો મુખ્ય ધારાથી પાછળ રહી જાય છે.
જો મદરેસાઓમાં યોગ્ય શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી હોય તો સરકાર તેના માટે સજ્જ છે.મદરેસાઓ તૈયાર હોય તો રાજ્ય સરકાર એકસમાન આધુનિક શિક્ષણ પદ્ધતિ દાખલ કરવા તૈયાર છે.જોકે,તેમણે એવું પણ કહ્યું હતું કે અત્યારે એવા કોઈ ફેરફારની દિશામાં વિચારાયું નથી.બધા સાથે વાતચીત કર્યા પછી જ કોઈ નિર્ણય લેવાશે.કર્ણાટકની સરકાર મદરેસાઓમાં જમાનાને યોગ્ય અને આધુનિક શિક્ષણ પદ્ધતિ દાખલ કરવા કટિબદ્ધ છે.
હિજાબના સમર્થનમાં કોલેજોની વાર્ષિક પ્રેક્ટિકલ પરીક્ષા છોડી દેનારી વિદ્યાર્થિનીઓને લઈને પણ કર્ણાટકના શિક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી.કર્ણાટકના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે કોર્ટના આદેશ છતાં હિજાબ પહેરીને પ્રેક્ટિકલ પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીઓએ હિજાબના સમર્થનમાં પરીક્ષા છોડી દીધી હતી.એ વાર્ષિક પરીક્ષા હોવાથી તેમાં ગેરહાજરી ગણાઈ હતા તેમને હવે બીજી તક અત્યારે અપાશે નહીં.તેમણે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
ઉલ્લેેખનીય છે કે કર્ણાટક હાઈકોર્ટે કોલેજમાં હિજાબ અનિવાર્ય ન હોવાનો વચગાળાનો ચુકાદો આપ્યો તે પછી પણ અસંખ્ય વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજની પરીક્ષા આપવા આવી હતી.આખરે હિજાબ પહેરવાના સમર્થનમાં વિદ્યાર્થિનીઓએ બોર્ડની પરીક્ષાના ભાગરૂપે લેવાયેલી પ્રેક્ટિકલ પરીક્ષા છોડી દીધી હતી.

