– ખેડૂતો માટેની યોજનામાં મોટો છબરડો
– વર્ષે પ્રત્યેક લાભાર્થીને છ હજાર રૂપિયા અપાયા, ગેરલાયકો પાસેથી પૈસા પરત લેવા કેન્દ્રનો રાજ્યોને આદેશ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએમ-કિસાન યોજનામાં મૂળ લાભાર્થીઓ કરતા જે લોકો લાયકાત નથી ધરાવતા તેમના ખાતામાં કરોડો રૂપિયા જમા કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે.દેશભરમાં આશરે ૪,૩૫૦ કરોડ રૂપિયા ગેરલાયક લાભાર્થીઓના ખાતામાં જમા થઇ ગયા હતા.
જેને પગલે હવે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે પીએમ-કિસાન યોજના હેઠળ જે પણ ગેરલાયક લોકોના ખાતામાં પૈસા જમા થયા છે તેને પરત લેવામાં આવે.ફેબુ્રઆરી ૨૦૧૯ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એટલે કે પીએમ-કિસાન યોજના જારી કરવામાં આવી હતી.જે પણ લાભાર્થી ખેડૂતો હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે ૬૦૦૦ રૂપિયા ઓછી જમીન ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
લોકસભામાં લેખીતમાં જવાબ આપતી વેળાએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ યોજના અંતર્ગત જે પણ રકમ જમા કરવામાં આવી તેના બે ટકા એટલે કે ૪,૩૫૨.૪૯ કરોડ રૂપિયા એવા લોકોના ખાતામાં જમા થઇ ગયા છે કે જેઓ આ યોજનાનો લાભ લેવાને લાયક ન હોય.જેથી હવે આ લોકોની પાસેથી આ પૈસાને પરત લેવા માટે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે.જોકે આ પૈસાને પરત કેવી રીતે મેળવવા તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

