અમદાવાદ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવાઈ હતી.જોકે શુક્રવારથી 4 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે લૂ લાગવાથી બચવા માટેના કેટલાક ઉપાયો પણ જાહેર કર્યા છે.
આગાહી પ્રમાણે શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના સરહદી વિસ્તારોમાં,ગીર-સોમનાથ અને કચ્છમાં તાપમાનનો પારો ઉંચો રહેશે.શનિવારના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર,પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ,રાજકોટ,કચ્છ અને દીવમાં બપોરના સમયે બફારો અનુભવાશે.
ત્યાર બાદ રવિવારે એટલે કે, 27 માર્ચના રોજ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો ઉંચો રહેશે.તે સિવાય અમરેલી,સુરેન્દ્રનગર, બોટાદ,ભાવનગર,પોરબંદર,જૂનાગઢ,ગીર-સોમનાથ,રાજકોટ,કચ્છ અને દીવમાં પણ હીટવેવની અસર જોવા મળશે.
આગાહી પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,મહેસાણા અને પાટણ જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર,પોરબંદર,જૂનાગઢ,ગીર-સોમનાથ,રાજકોટ,અમરેલી અને દીવમાં પણ ભારે ગરમીના કારણે હીટવેવ અનુભવાશે.
આ સાથે જ હવામાન વિભાગે ગરમી અને લૂની અસરથી બચવા માટે આછા રંગના હળવા કોટનના વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે.આ ઉપરાંત બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે અને બહાર નીકળતી વખતે માથાને ઢાંકવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
નાના બાળકો અને ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા ઉંમરલાયક લોકોને હીટવેવની વધુ અસર થઈ શકે છે.


