– સાત વર્ષમાં ૨૧૪૦ માછીમારોને છોડાવીને પાછા લવાયા ભારતીય માછીમારો પાસેથી કબજે કરેલી ૧૧૬૪ બોટો પાકિસ્તાની સરકારે પાછી આપી નથી
પાકિસ્તાનમાં ભારતના ૫૭૭ માછીમારો બંધ છે.તે સિવાય પાકિસ્તાનની સરકારે કબજે કરેલી ૧૧૬૪ ભારતીય માછીમારોની બોટો પણ પાછી આપી નથી.કેન્દ્ર સરકાર આ તમામ માછીમારોને પાછા લાવવાની કોશિશ કરી રહી છે.
કેન્દ્ર સરકારે આપેલા અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની જેલોમાં હજુય ૫૭૭ ભારતીય માછીમારો બંધ છે.છેલ્લાં સાતેક વર્ષમાં૨૧૪૦ ભારતીય માછીમારોને છોડાવીને ભારત પાછા લવાયા છે.તેમ છતાં હજુય ઓળખ થઈ ચૂકી છે એવા અથવા તો ઓળખની પ્રક્રિયા ચાલતી હોય એવા ૫૭૭ માછીમારો પાકિસ્તાનના કબજામાં છે.
૨૦૦૮થી ભારત-પાકિસ્તાન વચ્ચે માછીમારો સહિતના એકબીજાના કેદીઓની વિગતો આપવાનો કરાર થયો છે.તે કરાર અંતર્ગત વિગતો વર્ષમાં બે વખત – ૧લી જાન્યુઆરીએ અને ૧લી જુલાઈએ આપલે થાય છે.છેલ્લામાં છેલ્લી વિગતો પ્રમાણે ૫૭૭ માછીમારો પાકિસ્તાનમાં છે.
પાકિસ્તાનની સરકારે ભારતીય માછીમારો પાસેથી કબજે કરી લીધેલી ૧૧૬૪ બોટો પાછી આપી નથી.એ બાબતે ભારત સરકારે અવારનવાર રજૂઆતો કરી છે. ૨૦૧૪થી કેન્દ્ર સરકારે ૨૧૪૦ ભારતીય માછીમારોને લાવવા ઉપરાંત ૫૭ બોટો પણ માછી મેળવી હતી.
કેન્દ્રીય મંત્રી વી.મુરલીધરને કહ્યું હતું કે ભારત સરકાર પાકિસ્તાની જેલોમાં બંધ ભારતીય માછીમારોની સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ છે.તેમને બંને દેશોના કરાર પ્રમાણે કાઉન્સેલર એક્સેસ મળે તે માટેના પ્રયાસો પણ શરૂ થયા છે અને માછીમારો તેમ જ બોટોને પાછી લાવવા પાકિસ્તાનને રજૂઆત કરવામાં આવી રહી છે.


