નવી દિલ્હી, તા. 26 માર્ચ 2022, શનિવાર : ચેન્નઈમાં જાહેર રસ્તા ઉપર થયેલા એક દબાણના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને ટકોર કરી હતી કે ખુદ ભગવાન પણ દબાણ કરે તો કાયદા પાલન માટે,જાહેર હિત માટે તેને હટાવવાનો આદેશ આપવામાં આવશે.
રાજ્યમાં એક સ્થળે જાહેર રોડ ઉપર મંદિર બનાવવામાં આવ્યું હતું..નીચલી અદાલતમાં સ્થાનિક નિગમે તેને હટાવવા માટે અરજી કરી હતી પણ અપીલ દરમિયાન નિગમે તેનું વલણ બદલાવી મંદિર એ સ્થળે રહેવા દેવા માટે અરજી કરી હતી.જોકે,મદ્રાસ હાઈકોર્ટે જાહેર હિતની સુનાવણીમાં મંદિર બાંધનાર કમિટી અને સ્થાનિક નિગમની આકરી ટીકા કરી હતી
હાઈકોર્ટે જણાવ્યું હતું કે રોડનો ઉપયોગ સ્થાનિક રહીશ અને વાહનો માટે છે તેમાં અડચણરૂપ થાય,ટ્રાફિકની સમસ્યા થાય એ રીતે કોઈપણ પ્રકારનું દબાણ અટકાવી દેવાની જવાબદારી નિગમની છે.મંદિરના નામે આ રીતે ઉભુ થયેલું દબાણ હટાવી દેવામાં આવે.કોર્ટે જણાવ્યું હતું કે ભગવાનના નામે આ રીતે દબાણ થવું જોઈએ નહિ.ખુદ ભગવાને દબાણ કર્યું હોય તો પણ કાયદાની વિરુદ્ધ હોય તો તે દૂર કરવું પડશે.

