લખનૌ, તા. 26 માર્ચ 2022, શનિવાર : ફરી એક વખત ઉત્તર પ્રદેશની કમાન સંભાળવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે.શપથ ગ્રહણ પછીના દિવસે એટલે કે,આજે તેમણે પોતાની નવી કેબિનેટ સાથે પ્રથમ બેઠક કરી હતી.આ બેઠકમાં યોગી મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો છે.કોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી ફ્રી રાશન યોજનાને 3 મહિના માટે લંબાવવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે,તેઓ ફરી આગામી 3 મહિના માટે ફ્રી રાશન યોજનાને લાગુ કરશે.તેનાથી રાજ્યના 15 કરોડ લોકોને ફાયદો થશે. કોરોના મહામારી દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠક બાદ બંને નાયબ મુખ્યમંત્રીઓ (DyCM) એકસાથે બહાર નીકળ્યા હતા. DyCM કેશવ મૌર્યએ જણાવ્યું કે,આ નિર્ણયથી 15 કરોડ લોકોના જીવનને સીધી અસર થશે.જ્યારે બ્રિજેશ પાઠકે કહ્યું કે, સરકાર સતત ગરીબોનું ધ્યાન રાખી રહી છે અને કરોડો પરિવારને તેનો સીધો લાભ મળશે.

