બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપરથી કડોદરા પોલીસે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈ જનાર શખ્સને ઝડપી પાડ્યો છે.આ વિદેશી દારૂનો જથ્થો પલસાણાના લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડીયાએ પૂરો પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ, 65,300 નો મુદ્દામાલ કબ્જે કરી ચાર વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કડોદરા પોલીસ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા તેમણે શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમીવર્ણન મુજબનો એક શખ્સ મોપેડ નંબર જીજે-05-એચ.ઝેડ-8623 પર આવતા તેને અટકાવ્યો હતો અને મોપેડની આગળ મુકેલ પ્લાસ્ટિકના ઠેલા તપાસતા તેમાંથી વિદેશી દારૂની કુલ 225 નંગ બોટલ કિંમત રૂ, 25,300 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસની પૂછ પરછ દરમ્યાન તેણે પોતાનું નામ આશુસિંગ રાકેશસિંગ રાજપૂત (રહે, ગોડાદરા, ગીતાનગર પ્લોટ નંબર-29 સુરત શહેર) હોવાનું જણાવ્યુ હતું. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ગોવિંદ ઓમપ્રકાશ મૌર્યા (રહે, ગોડાદરા, ઋષિનગર, સુરત શહેર) એ મંગાવ્યો હતો તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ઈશ્વર રમેશ વાંસફોડિયા (રહે, અંત્રોલી, ભૂરી ફળિયું, તા-પલસાણા), કાર્તિક વાંસફોડિયા, પ્રવીણ વાંસફોડિયા (રહે, વાંકાનેડા ગામ, તા-પલસાણા) નાઓએ પૂરો પાડ્યો હતો.પોલીસે આ ચારેય વ્યક્તિઓને વોંટેડ જાહેર કરી કુલ રૂ, 65,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


