સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, કોર્ટ શિક્ષણ ક્ષેત્રે નિષ્ણાતની ભૂમિકા ભજવી શકે નહીં અને કોઈ વિદ્યાર્થી યોગ્ય લાયકાત ધરાવે છે કે નહીં તેનો નિર્ણય સંસ્થાઓ પર જ છોડવો જોઇએ.જસ્ટિસ એમ આર શાહ અને બી વી નાગરત્નની બેન્ચે જણાવ્યું હતું કે, નોકરીની એડ્માં જણાવેલી શૈક્ષણિક લાયકાતમાં કોઇ ફેરફાર થવો જોઇએ નહીં.બેન્ચે જણાવ્યું હતું કે, “શિક્ષણ ક્ષેત્રે સામાન્ય રીતે કોર્ટ નિષ્ણાતની ભૂમિકા ભજવી શકે નહીં. એટલે કોઈ વિદ્યાર્થી કે ઉમેદવાર યોગ્ય લાયકાત ધરાવે છે કે નહીં તેનો નિર્ણય સંસ્થાઓ પર જ છોડવો જોઇએ.ખાસ કરીને નિષ્ણાતોની સમિતિ આ મુદ્દે નિર્ણય લે તે વધુ યોગ્ય છે.” ઝારખંડ હાઇકોર્ટના ચુકાદાને પડકારતી જુદીજુદી અપીલોને ફગાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ હાઇકોર્ટે રાજ્યની હાઇસ્કૂલ્સમાં વિવિધ કેટેગરી હેઠળ જુદાજુદા વિષયો માટે અનુસ્નાતક શિક્ષકોની નિમણૂક અંગેની પસંદગી પ્રક્રિયા અંગે ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એડ્ પ્રમાણે વિદ્યાર્થી પાસે ઇતિહાસના વિષયમાં અનુસ્નાતક કે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.કોર્ટે જણાવ્યું હતું કે, “અમે સંબંધિત રીટ પિટિશનમાં વિવિધ ડિગ્રી અને પ્રમાણપત્રો ચકાસ્યા છે.એવું લાગે છે કે, સંબંધિત અરજદારોએ ઇતિહાસની કોઇ એક શાખામાં સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી મેળવી છે.જેમાં ભારતનો પ્રાચીન ઇતિહાસ, ભારતનો પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ સહિતની ઇતિહાસની વિવિધ શાખા સામેલ છે.”સુપ્રીમે વધુમાં જણાવ્યું હતું કે, “અમારા મતે ઇતિહાસની કોઇ એક શાખામાં મેળવી ડિગ્રીને ઇતિહાસના સમગ્ર વિષયમાં મેળવેલી ડિગ્રી ગણી શકાય નહી.ઇતિહાસના એક શિક્ષકે ઇતિહાસના તમામ વિષયો ભણાવવાના હોય છે.એટલે ઇતિહાસની કોઇ એક શાખામાં મેળવેલી ડિગ્રીને સમગ્ર વિષયની ડિગ્રી ગણી શકાય નહીં.”

