કટિહાર : રામનવમીની ઉજવણી દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં થયેલી કોમી હિંસા અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષના બેવડાં વલણની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓ પર થતાં હુમલાઓ અંગે વિપક્ષો મૌન ધારણ કરીને બેસી જાય છે.જ્યારે અન્ય ધર્મના લોકોના મામલે તેઓ હિન્દુઓ પર દોષારોપણ કરે છે.ગિરિરાજ સિંહે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં રામનવમીના દિવસે દેશભરમાં અનેક શોભાયાત્રાઓ પર હુમલા એ ગંગા જમુની તહેજીબથી વિપરીત છે.ભારતમાં રામ નવમીની યાત્રા ન નીકળે તો શું પાકિસ્તાનમાં નીકળશે? ફાયરબ્રાંડ ભાજપ નેતાએ કહ્યું હતું કે ભારતે આઝાદી પછી મસ્જિદોના નિર્માણનો વિરોધ ક્યારેય કર્યો નથી અને એની સાથે જ દેશમાં મુસ્લિમોની વસતિના વધારાનો પણ તેણે વિરોધ કર્યો નથી.જોકે તેની સામે પાકિસ્તાનમાં મોટાપાયે મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા.હિન્દુઓનું અસ્તિત્વ આ દેશમાં પૂર્ણ થવાને આરે છે.આની સાથે જ તેમણે ચેતવણી આપી છે કે હવે ધીરજ ખૂટી ગઇ છે.
ઉત્તર બિહારમાં પત્રકારો સાથેની વાતચીતમાં સિંહે ભડકાઉ ટિપ્પણી કરી હતી.હિન્દુઓએ ધાર્મિક સરઘસો કાઢતી વખતે કોમી તંગદિલી ન થાય તેની તકેદારી રાખવી જોઇએ તેવા અનેક મુસ્લિમ નેતાઓના નિવેદનમાં વિરોધમાં તેમણે આ વાત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે ‘રામ નવમીની શોભાયાત્રા આ દેશમાં ન નીકળે તો ક્યાં નીકળવી જોઇએ? પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં? રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદ જેવા નેતાઓના વખતે અન્ય લોકોની આસ્થાની યાત્રાઓ પર હુમલો થયો છે કે કેમ?’ તેમ કહીને તેમણે સમગ્ર મામલાને ધાર્મિક સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.બિહારના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહે દિલ્હીના જહાંગીરપુરી અને કર્ણાટકના હુબલી જેવા વિસ્તારોમાં થયેલા હુમલા સામે નારાજગી દર્શાવી હતી.તેમણે ઉમેર્યું હતું કે દેશના ભાગલા ૧૯૪૭માં પડી ગયા હતા.હિન્દુઓના કે મુસ્લિમોના પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં વાતચીત કરીને આ જ ભૂલ નહિ કરીએ.

