નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.બુધવારે ફરી એકવાર પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રશાંત કિશોરે પણ ભાગ લીધો હતો.છેલ્લા એક સપ્તાહમાં પ્રશાંત કિશોર સાથે કોંગ્રેસના નેતાઓની આ ત્રીજી બેઠક હતી.આજની આ બેઠકમાં પ્રશાંત કિશોર ઉપરાંત કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ, અંબિકા સોની, દિગ્વિજય સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ભાગ લીધો હતો.બેઠક બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, જગનમોહન રેડ્ડી, મમતા બેનર્જી અને અમરિંદર સિંહ સાથે કામ કરી ચૂક્યા છે.તમને જણાવી દઈએ કે, પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે 10 મહિના બાદ ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે.પહેલા દિવસે યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધી, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, અંબિકા સોની અને એકે એન્ટોનીએ હાજરી આપી હતી.જોકે નિષ્ણાતો માને છે કે, પ્રશાંત કિશોરનું સૌથી વધુ ધ્યાન ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણી પર છે.તેમની આગળની રણનીતિ ચિંતન શિવિરમાં નક્કી થવાની આશા છે.તમને જણાવી દઈએ કે, મંગળવારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં પ્રશાંત કિશોર શું ભૂમિકા ભજવશે તેનો અંતિમ નિર્ણય સોનિયા ગાંધી લેશે.

