(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા આવતા કોઈપણ ઉત્પાદન પર બેફામ એમઆરપી લખવાની શરૃઆત થઈ જતાં મોટા ખેલાડીઓ દ્વારા ડિસ્કાઉન્ટની મોટી ઓફર આપીને નાના વેપારીઓને ખતમ કરી દેવામાં આવી રહ્યા હોવાની બૂમરાણ ઊઠી છે.અમદાવાદના ઇલેક્ટ્રોનિક્સના બજારના વેપારીઓએ ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરીને તેમના ધંધાને ખતમ કરી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ૩૨ ઇંચના એલઈડી ટીવીની ઉત્પાદન કિંમત રૃા. ૭૫૦૦ હોય તો પણ તેની મહત્તમ છૂટક કિંમત રૃા.૨૦,૦૦૦ લખી દેવામાં આવે છે. આ જ રીતે ૪૩ ઇંચના એલઈડીની ઉત્પાદન કિંમત રૃા. ૨૫૦૦૦ થતી હોય તો તેના પર એમઆરપી રૃા. ૫૦,૦૦૦ છાપી દે છે. તેના પર તગડું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.રિટેઈલ ચેઈન ધરાવનારાઓ અને ઓનલાઈન માર્કેટિંગ કરનારાઓ મોટા ઓર્ડર આપતા હોવાથી તેમને બહુ જ મોટા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.તેની સામે છૂટક દુકાન ધરાવનારાઓ દ્વારા મર્યાદિત સંખ્યામાં ઓર્ડર આપવામાં આવતા હોવાથી તેમને મર્યાદિત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.આ સ્થિતિમાં મોટી રિટેઈલ ચેઈનના છૂટક વેચાાણ ભાવ કરતાં નાના દુકાનદારોના ખરીદભાવ ઊંચાા થઈ જાય છે.તેમના ધંધા ખતમ થઈ રહ્યા છે.તેથી જ રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓએ તેની સામે વિરોધ નોંધાવ્યો છે અને એમઆરપી લખવા માટે અલગથી કાયદો બનાવવાની કે અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવાની માગણી કરવામાં આવી રહી છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વ્યવસ્થા પહેલી જુલાઈ ૨૦૧૭થી અમલમાં આવી અને એક્સાઈઝના યુગનો અંત આવ્યો તે પછી કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી વસ્તુઓ પર ફેક્ટરીના ગેટ પર જ એક્સાઈઝ જમા કરાવવાની વ્યવસ્થા હોવાથી એક્સાઈઝનું ભારણ વધારે ન આવે તે માટે મર્યાદિત નફો ઉમેરીને તેની મહત્તમ છૂટક કિંમત-મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ નક્કી કરવામાં આવતી હતી. વેપારીઓ ફેક્ટરીથી માલ બહાર કાઢતી વખતે ઊંચી કિંમત લખે તો તેને કારણે તેમણે એક્સાઈઝ પણ વધારે ભરવી પડતી હતી.આમ એક્સાઈઝ ડયૂટીની વ્યવસ્થા પ્રાઈઝ કંટ્રોલિંગનું કામ કરતી હતી.પરંતુ જુલાઈ ૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસની વ્યવસ્થા અમલમાં આવી તેને પરિણામે એક્સાઈઝની વ્યવસ્થા નીકળી ગઈ હતી.તેથી કોઈપણ પ્રોડક્ટના એમઆરપી લખવા પર કોઈ જ નિયંત્રણ રહ્યું નથી. પરિણામે રૃા. ૧૦ના ઉત્પાદન ખર્ચવાળી વસ્તુની મહત્તમ છૂટક કિંમત રુ. ૧૦૦ લખી દેતા ઉત્પાદકો ખચકાટ અનુભવતા નથી. તેને કારણે મોટી રકમના ડિસ્કાઉન્ટ આપવાનો ખેલ ચાલુ થઈ ગયો છે.
૭૦ ટકા ડિસ્કાઉન્ટ પછીય ગ્રાહકોને મોંઘી પડતી વસ્તુઓ
કોઈપણ વસ્તુની ઉત્પાદન કિંમત પર હોલસેલર, રિટેીલરના નિશ્ચિત માર્જિન નક્કી કરીને એમઆરપી લખવાની કાયદાકીય જોગવાઈ કરવાની હવે તાતી જરૃરિયાત છે.અત્યારે રૃા.૧૦ની કિંમતની વસ્તુ પર ૧૫૦ની એમઆરપી લખાતી હોવાનું જોવા મળે છે.દવાની વાત કરો કે પછી પ્લાસ્ટિકની કોઈપણ બનાવટ હોય દરેકમાં આ જ રીતે એમઆરપી લખાય છે. એમઆરપી લખવા માટેના કોઈપણ નિયમ નથી.ઓવર ધ કાઉન્ટર – ઓટીસી દવાના ભાવ પણ બેફામ લખવામાં આવી રહ્યા છે.તેથી દવાના ભાવ પર ૭૦થી ૮૦ ટકા ડિસ્કાઉન્ટની ઓફર અપાય છે.વાસ્તવમાં ૭૦ ટકા ડિસ્કાઉન્ટ પછીય તે દવા તમને ૨૦૦ ટકા મોંઘી પડતી હોવાના કિસ્સાઓ મોજૂદ છે.


