અમદાવાદ,રવિવાર, 1 મે,2022 : ૭૫૦ કરોડના ખર્ચથી તૈયાર કરાયેલી મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં અદ્યતન સારવાર અપાઈ રહી હોવા છતાં આ હોસ્પિટલમાં બે મહિનામાં માત્ર ૧૪૬ દર્દીએ ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ સારવાર લીધી છે.વર્ષ-૨૦૧૩માં મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ ૩૩૧ કરોડના ફંડ સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ જાન્યુઆરી-૨૦૧૯ના દિવસે હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું.
જુની વી.એસ.હોસ્પિટલની નજીકના અંતરે એસ.વી.પી.હોસ્પિટલ આવેલી છે.ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત કુલ સત્તર માળની આ હોસ્પિટલ બે બેઝમેન્ટ ધરાવે છે.હોસ્પિટલમાં કુલ ૧૫૦૦ જેટલા બેડ ઉપલબ્ધ છે.૩૨ જેટલા ઓપરેશન થિયેટર આવેલા છે.૧૩૯ આઈ.સી.યુ.બેડ પણ છે.૯૦ જેટલા કન્સલ્ટન્ટરુમ આવેલા છે.હોસ્પિટલમાં એમબ્યુલન્સ માટે હેલીપેડ પણ છે.કોરોના મહામારીના સમયમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા હોસ્પિટલમાં ઓકિસજન ટેન્ક પણ શરુ કરાવવામાં આવી હતી.
હોસ્પિટલમાં કેસ માટે સો રુપિયાનો સામાન્ય ચાર્જ લેવામાં આવે છે.જે દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઈ સારવાર લે તેમને સવારના ચા-નાસતા ઉપરાંત બે સમય ભોજન પણ આપવામાં આવી રહ્યુ છે.દરેક રોગના નિષ્ણાત તબીબો ફરજ બજાવે છે.તમામ પ્રકારના લેટેસ્ટ સારવાર માટેના સાધનો પણ ઉપલબ્ધ છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણને આપવામાં આવેલી માહિતી મુજબ માર્ચ મહિનામાં ૯૧ અને ૨૦ એપ્રિલ સુધીમાં ૫૫ મળી કુલ ૧૪૬ દર્દીઓએ હોસ્પિટલમાં ઈન્ડોર દર્દી તરીકે સારવાર લીધી છે.કોરોના મહામારી પહેલા હોસ્પિટલમાં મા-કાર્ડવાળા દર્દીને સારવાર અપાતી હતી.એ પ્રમાણે રાજય સરકારે ૨૫ ફેબુ્આરીએ પરિપત્ર કરી દીધો છે ત્યારે આ હોસ્પિટલમાં મા-કાર્ડ કે પ્રધાનમંત્રી આયુષમાનકાર્ડ ધરાવતા દર્દીઓને લાભ મળે એ માટે યોજના ફરીથી શરુ કરવા માંગણી કરી છે.
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી કયા રોગના?
રોગ ઈન્ડોર પેશન્ટ
ગેસ્ટ્રો ૨૮
હિપેટાઈટીસ ૧૪
ટાઈફોઈડ ૦૮
મેલેરિયા ૦૧
ચિકનગુનિયા ૦૧
ઈન્ફલુએન્ઝા ૫૧
ટી.બી. ૨૫
ન્યૂમોનિયા ૧૬
સિન્ડ્રોમ ૦૧
મેનેનજાઈટીસ ૦૧


