નવી દિલ્હી : કોરોના મહામારી દરમિયાન દેશભરમાં રસિકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે.જોકે લોકોને ફરજિયાત રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરાયો હતો.જેને પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ પણ વ્યક્તિને કોરોના વિરોધી રસી લેવા માટે મજબૂર ન કરી શકાય.સુપ્રીમ કોર્ટમાં રસીને ફરજિયાત કરવાની માગણી કરાઇ હતી જેને નકારી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવ અને બી આર ગવાઇની બેંચે જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસોની સંખ્યા બહુ જ ઓછી છે આવી પરિસ્થિતિમાં કોઇ વ્યક્તિને કોરોનાની રસી લેવા માટે મજબૂર ન કરી શકાય.દરેક વ્યક્તિને તેના શરીર પર તેનો અધિકાર બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત આપવામાં આવ્યો છે.તેથી કોઇને પણ કોરોનાની રસી લેવા માટે મજબૂર ન કરી શકાય.જોકે સાથે સરકારને એવી પણ છૂટ આપી છે કે જો મહામારી વધે તો તેને અટકાવવા માટે સરકાર નીતી ઘડી શકે છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે રસીકરણ ફરજિયાત બનાવવાની માગણી કરતી એક અરજીને ફગાવી દીધી હતી.રસી લીધા બાદ તેની ઘણા લોકોમાં આડ અસર જોવા મળી હતી, જોકે તેના ચોક્કસ આંકડા જાહેર નથી થઇ શક્યા.તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રસીની આડ અસર થાય છે તેના ચોક્કસ આંકડા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે હાલ કોરોના રસી નીતિ છે તે મનમાની ભરી નથી. કોરોના પ્રતિબંધોને પણ સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યા હતા.
બીજી તરફ દેશભરમાં કોરોના વાઇરસના નવા ૩૧૫૭ કેસો સામે આવ્યા હતા, જ્યારે વધુ ૨૬ લોકોનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૪૦૮નો વધારો થયો હતો અને કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૯૫૦૦એ પહોંચી ગઇ હતી.જે વધુ ૨૬ લોકોના મોત નિપજ્યા છે તેમાંથી માત્ર કેરળના જ ૨૧ લોકોનો સમાવેશ થાય છે.બીજી તરફ દેશભરમાં રસીકરણનો કુલ આંકડો વધીને ૧૯૦ કરોડની નજીક પહોંચી ગયો છે.

