નવી દિલ્હી,તા.3 મે 2022,મંગળવાર : બિહારમાં દારુબંધી ભલે હોય પણ ગુજરાતની જેમ જ ચોરી છુપીથી દારૂ મળે છે અને લોકો પીએ છે.જોકે એક આશ્ચર્યનજક ઘટનામાં સોમવારે સવારે બિહારના સમસ્તીપુર જિલ્લાના હસનપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ડ્રાઈવર કર્મવીર યાદવ દારૂ પીવા માટે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રાખીને રવાના થઈ ગયો હતો.મુસાફરોએ એક કલાક સુધી આકરી ગરમીમાં ટ્રેન રોકાઈ રહી હોવાથી હંગામો મચાવ્યો હતો.એ પછી તપાસ કરતા ખબર પડી હતી કે, ડ્રાઈવર બજારમાં દારૂ પીવા જતો રહ્યો હતો અને એટલો દારૂ પીધો હતો કે, રસ્તા પર જ ઢળી પડ્યો હતો.
રેલવે સત્તાધીશોએ બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરી ત્યારે ટ્રેન આગળ રવાના થઈ હતી.દરમિયાન રેલવે પોલીસે પીધેલા ડ્રાઈવરની ધરપકડ કરી હતી.પોલીસને બજારમાંથી ડ્રાઈવરને ઉઠાવીને લાવવો પડ્યો હતો.પોલીસનુ કહેવુ છે કે, તેણે પહેલેથી દારૂ પીધો હતો અને હસનપુર ખાતે ફરી તેણે ટ્રેન ઉભી રહી પછી તે દારૂ પીવા ઉતરી ગયો હતો.સદનસીબે આ જ ટ્રેનમાં અન્ય એક ટ્રેન ડ્રાઈવર રુષિરાજ કુમાર મુસાફરી કરી રહ્યા હતા.તેઓ રજા પર હતા પણ આ ઘટના બન્યા બાદ રેલવે અધિકારીઓના આગ્રહ પછી તેમણે ડ્રાઈવર તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.

