મુંબઈ : માત્ર ૧૬ વર્ષની સગીર વય હોવા છતાં પિતાના પ્રાણ બચાવવા માટે પુત્રીએ હાઈ કોર્ટના દ્વાર ખખડાવીને પિતાને લિવર દાન કરવાની પોતાને અનુમતી આપવાની દાદ માગી છે.હાઈ કોર્ટે પણ તેની સંવેદનાને માન આપીને યોગ્ય ઓથોરિટીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ હેઠળ ઝડપથી સગીરાની અરજી પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.અરજદાર કિશોરીના પિતાની હાલત ગંભીર હોવાથી અમે વિનંતી કરીએ છીએ કે તેની અરજીનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને બને તો ચોથી મે ૨૦૨૨ પૂર્વે નિર્ણય આપવામાં આવે એમ ન્યા.રેવતી મોહિતે ઢેરે અને ન્યા.જામદારની બેન્ચે સગીરાની અરજીની સુનાવણી વખતે જણાવ્યું હતું.
કાયદામાં સગીરોને દાતા તરીકે સક્ષમ માનવામાં આવતા નથી. કિશોરી માત્ર ૧૬ વર્ષ બે મહિના અને ૧૩ દિવસની છે એમ કોર્ટે નોંધ્યું હતું.કિશોરીના વકિલ તપન થટ્ટેએ જણાવ્યું હતું કે તેના પિતાને લિવર સોરાઈસીસ ડિકમ્પેન્સેટેડ થયું છે અને પ્રત્યારોપણની તાતી જરૂર છે.તેઓ પથારીવશ છે અને માર્ચ ૨૦૨૨માં તેમને પ્રત્યારોપણની સલાહ અપાઈ હતી.તેમના તમામ નજીકના સગાંઓની પ્રસ્તાવિત દાતા તરીકે ટેસ્ટ કરાવાઈ હતી પણ અરજદાર સિવાય કોઈ તબીબી રીતે યોગ્ય ઠર્યું નથી.૩૦ એપ્રિલે દરદીનું આયુષ્ટ ૧૫ દિવસથી વધુ આંકવામાં આવ્યું નહોવાથી હાઈ કોર્ટમાં તાકીદે અરજી કરવામાં આવી છે.તેમના પરિવારમાં અન્ય કોઈ યોગ્ય દાતા નથી અને અરજદાર પોતે સગીરા હોવાથી યોગ્ય ઓથોરિટી કે રાજ્ય સરકારની પરવાનગી વિના લિવર દાન કરી શકે તેમ નથી.આથી તેણે ૨૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ ઓથોરિટી પાસે મંજૂરી માગતી અરજી કરી હતી પણ હજી કોઈ જવાબ આવ્યો નથી.
ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીએમઈઆર) વતી સરકારી વકિલ પીપી.કાકડેએ જણાવ્યું હતું કે જો અરજદાર જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરશે તો તેના આધારે અરજી પર ઝડપથી વિચારણા કરાશે.


