ભાવનગર : ઈસ્માલ ધર્મના પાક તહેવાર ઈદ-ઉલ-ફિત્રની સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરોએ શાન-ઓ-શૌકત સાથે ઉજવણી કરી હતી. મસ્જિદો-ઈદગાહોમાં રમજાન ઈદની ખાસ નમાજ અદા કરાયા બાદ એક-બીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી.નાના બાળકોને ઈદીરૂપે રોકડ રકમ આપવામાં આવી હતી.અલ્લાહની ઉબાદતના પવિત્ર રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકોથી માંડી મહિલાઓ, પુરૂષોએ કઠીન રોજા રાખી અલ્લાહની નેકી અને બંદગી કરી હતી.તેના ઈનામ સ્વરૂપે આજે મંગળવારે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉજવણી કરી હતી. ઈદના ચાંદના દીદાર થતાંની સાથે જ સ્નેહી-સ્વજનોને રૂબરૂ, ફોન-સોશિયલ મીડિયાની મારફત ઈદ-ઉલ-ફિત્રના તહેવારની બધાઈ આપવાનો દૌર શરૂ થઈ ગયો હતો.જ્યારે આજે રમજાન ઈદના તહેવાર નિમિત્તે શહેર-જિલ્લામાં આવેલી તમામ મસ્જિદો-ઈદગાહોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાસ નમાજ અદા કરી એક-બીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવી હતી.તો ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ પરિવારોએ પોતાના ઘરમાં ખુરખુરમા, કીમામી સેવ, નમકીન વગેરે વાનગીઓ બનાવી આરોગી હતી.વડીલોએ નાના બાળકોથી લઈ ઈદીના હક્કદારોને રોકડ રકમ આપી હતી.ઈદના પાક તહેવારમાં કબ્રસ્તાનોમાં જઈ મર્હુમ સ્વજનોની કબર ઉર ફૂલ ચડાવી ફાતિહા પડી ખાસ દુઆ પણ અદા કરવામાં આી હતી.જ્યારે હરવા-ફરવાના સ્થળો, સિનેમા ગૃહો વગેરે સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ સહપરિવાર ઉમટી પડી ઈદની ઉજવણી કરી હતી.
રમજાન ઈદના પાક તહેવારમાં કોમી એખલાસ-એકતાના પણ દર્શન થયા હતા. હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી હતી.આવતીકાલે બુધવારે પણ ઘોઘા, કોળિયાક, કુડા, બોરતળાવ સહિતના હરવા-ફરવાના સ્થળોએ જઈ મુસ્લિમ સમાજ વાસી ઈદની ઉજવણી કરશે.ઈદના તહેવાર નિમિત્તે મોટાભાગના મુસ્લિમ વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.
બે વર્ષ બાદ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉમંદ-ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર જિલ્લા જેલમાં રહેલા મુસ્લિમ બંદીવા ભાઈઓ માટે ઈદની ખાસ નમાજનું આયોજન કરાયું હતું.જેલમાં મુસ્લિમ બંદીવાન ભાઈઓને ઈસ્લામીના મુબ્બલીક અખ્તરભાઈ મલેકે સામૂહિક નમાજ પઢાવી ઈદનું મહત્ત્વ સમજાવ્યું હતું.આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.


