કોપનહેગન, તા.૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપના ત્રણ દિવસના પ્રવાસમાં ફ્રાન્સ રવાના થતા પહેલાં નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે મુલાકાત કરી હતી અને ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ બુધવારે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો તથા વિકાસ સંબંધી સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર વ્યાપક ચર્ચા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ડેન્માર્કના તેમના ‘સાર્થક’ પ્રવાસ પછી ફ્રાન્સ માટે રવાના થયા હતા.ડેન્માર્કના પ્રવાસ દરમિયાન મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે દ્વિ-પક્ષીય બેઠક પણ કરી હતી અને બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી, ડેન્માર્કના સાર્થક પ્રવાસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ માટે રવાના થઈ ગયા છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, પ્રવાસ દરમિયાન ડેન્માર્ક સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં આવ્યા હતા.ડેન્માર્કમાં મોદીએ ભારતીય સમાજને પણ સંબોધન કર્યું હતું અને ડેન્માર્કના શાહી પરિવાર સાથે વાતચીત કરી હતી તેમજ તેમની સાથે રાત્રી ભોજન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ બુધવારે ડેન્માર્કમાં બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનનમાં ભાગ લીધો હતો.આ સંમેલનમાં મુખ્યત્વે કોરોના મહામારી પછી આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, નવીકરણીય ઊર્જા અને વૈશ્વિક સુરક્ષા જેવી બાબતો પર વ્યાપક ચર્ચા થઈ હતી.સંમેલન સિવાય મોદીએ નોર્વે, સ્વીડન, આઈસલેન્ડ અને ફિનલેન્ડના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.


