અમદાવાદ, : ધો.૧૨ સાયન્સ પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસમાં કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા કરતી સરકારની પ્રવેશ સમિતિએ ચોથા ઓફલાઈન રાઉન્ડમાં હોમિયોપેથીમાં પ્રવેશ ફાળવી દીધા બાદ રાજકોટની ખાનગી હોમિયોપેથી કોલેજે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપી પ્રવેશ રદ પણ કરી દીધા છે.જેને પગલે હાલ અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયુ છે.સરકારની મેડિકલ પ્રવેશ સમિતિના જણાવ્યા મુજબ કોઈ પણ કોલેજને સમિતિએ આપેલા પ્રવેશ પોતાની રીતે રદ કરવાની કે પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ના પાડવાની સત્તા નથી.રાજકોટની હોમિયોપેથી કોલેજે સમિતિને ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ કે જેઓ ફી ભરી દીધા બાદ રિપોર્ટિંગ ન કરતા પ્રવેશ રદ કરવાની જાણ કરી હતી ત્યારબાદ સમિતિએ કોલેજને આદેશ કર્યો હતો કે નિયમ મુજબ કોલેજ આવુ ન કરી શકે તેમ હોઈ પ્રવેશ રદ ન કરવામા આવે અને વિદ્યાર્થીઓને ફોન કરીને પ્રવેશ માટે બોલાવવામા આવે.પ્રવેશ સમિતિના જણાવ્યા મુજબ આયુષ કાઉન્સિલે આયુર્વેદ-હોમિયોપેથીમાં ૨૩મી એપ્રિલની પ્રવેશ મુદત બાદ ૩૦ એપ્રિલની મુદત કરી હતી અને ત્યારબાદ છેલ્લે તાજેતરમાં ફરી મુદત વધારી ૧૦મે કરી છે.૨૮મી સુધી ચાલેલા રૃબરૃ પ્રવેશ કાઉન્સેલિંગના ઓફલાઈન રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો તેઓને તાકીદે કોલેજમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના અપાઈ હતી.
કારણકે તે સમયે ૩૦મી સુધીની જ પ્રવેશ મુદત હોવાની સમિતિને જાણકારી હતી.પરંતુ ત્યારબાદ કાઉન્સિલે એકાએક મુદત વધારી દીધી છે.જે મુજબ કોલેજે પ્રવેશ આપવો પડે.હાલ તો પ્રવેશ સમિતિ,કાઉન્સિલ અને કોલેજ વચ્ચે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયુ છે કારણકે હજારો રૃપિયા ફી ભરી દેનારા વિદ્યાર્થીઓના પ્રવેશ કોલેજ દ્વારા રદ કરી દેવાયા છે.સમિતિએ આ બાબતે કોલેજનો સંપર્ક કરતા તેમના મેનેજમેન્ટના સભ્યોએ કોઈ જવાબ જ ન આપ્યો હતો.કોલેજની મનમાની સામે પ્રવેશ સમિતિ લાચાર બનીને બેઠી રહેશે કે પછી કાઉન્સિલ અને સરકારને જાણ કરશે? એવી પણ ફરિયાદો ઉઠી છે કે કેટલીક ખાનગી કોલેજોએ ઊંચુ ડોનેશન લઈને ખાલી બેઠકો પર પોતાની રીતે પ્રવેશ આપી દીધા છે.


