અમદાવાદ, : આરટીઈમાં પ્રથમ રાઉન્ડ આજે પૂર્ણ થઈ ગયો છે.આજે સાંજ સુધીમાં પ્રથમ રાઉન્ડમાં ફાળવાયેલી કુલ ૬૪૪૬૩ બેઠકમાંથી ૫૮ હજાર બેઠકો પર પ્રવેશ કન્ફર્મ થયો છે અને હજુ ૬ હજાર જેટલી ખાલી છે.ખાનગી સ્કૂલોમાં ૨૫ ટકા બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની સરકારની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં ગત ૨૬મીએ પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ કરવામા આવ્યુ હતું.જેમાં આ વર્ષની કુલ ૭૧૩૮૬ બેઠકોમાંથી ૬૪૪૬૩ બેઠકો ફાળવી શકાઈ હતી.જ્યારે બાકીની બેઠકો વાલીઓની ચોઈસના અભાવે ખાલી રહી હતી.પ્રથમ રાઉન્ડમાં જે ૬૪૪૬૩ બાળકોને પ્રવેશ ફાળવાયો હતો તેમાંથી આજે મોડી સાંજ સુધીમાં ૫૮ હજાર બાળકોના વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે.પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોને કન્ફર્મ થયેલા પ્રવેશની વિગતો ઓનલાઈન પોર્ટલ પર સબમીટ કરવા માટે બે દિવસની મુદત આપી છે.જેથી પ્રવેશ કન્ફર્મની સંખ્યા હજુ વધી શકે છે.પરંતુ હાલના તબક્કે કુલ મળીને ૧૩ હજારથી વધુ બેઠકો ખાલી છે.હવે બીજો રાઉન્ડ સરકાર દ્વારા થોડા દિવસોમાં જાહેર કરાશે અને જેમાં વાલીઓને ફરીથી સ્કૂલની ચોઈસ બદલવાની અને નવી ચોઈસ ભરવાની તક અપાશે.


