હૈદરાબાદ, તા.૬ : તેલંગાણાના હૈદરાબાદમાં એક હિન્દૂ યુવક નાગરાજુની બુધવારે તેની મુસ્લિમ પત્ની સુલતાનાની આંખો સામે જ ભરબજારમાં ધોળા દિવસે પત્નીના ભાઇ અને કેટલાક શખ્સોએ મળીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. આ હત્યાકાંડના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.પોલીસે આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરી છે.તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.પોલીસે જણાવ્યું હતું કે, સૈયદ મોબિન અહેમદ અને મોહમ્મદ મસૂદ અહેમદને સ્થાનિક કોર્ટ દ્વારા ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી અપાયા હતા.દરમિયાન આ ઘટના અંગે મુસ્લિમ યુવતી સુલતાનાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, સરૂરનગરમાં બુધવારે ભરબજારમાં ધોળા દિવસે તેના પતિની હત્યા કરવામાં આવતી હતી ત્યારે રસ્તા પર ઊભેલા ટોળામાંથી કોઈપણ તેને બચાવવા માટે આગળ આવ્યું નહીં.
મુસ્લિમ યુવતી સુલતાનાએ દાવો કર્યો કે બજારમાં ધોળા દિવસે કોઈએ પણ તેની મદદ કરી નહીં અને પોલીસ પણ ૩૦ મિનિટ પછી આવી હતી.લોકો મદદ કરવાના બદલે વીડિયો-ફોટો પાડતા રહ્યા હતા.તેણે ઉમેર્યું કે પોલીસ પણ આ ઘટનાની ૩૦ મિનિટ પછી આવી હતી.મારા પતિ નાગરાજુને ૧૫-૨૦ મિનિટ સુધી લોખંડના સળિયાથી ખૂબ જ ખરાબ રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો.આ સમયે એક પણ વ્યક્તિ અમારી મદદે આવી નહોતી.અંતે મારો પતિ મરી ગયો તે પછી લોકો ટોળે વળ્યા હતા.સુલતાનાએ કહ્યું કે, તેના પતિની તેના જ ભાઈએ હત્યા કરી હોવાનો તેને જબરજસ્ત આઘાત લાગ્યો હતો.તેને તેનાથી પણ વધુ આઘાત એ લાગ્યો કે રસ્તા પર એક વ્યક્તિ તો નહીં પણ ટોળે વળીને પણ લોકો તેના ભાઈને રોકવા માટે આગળ આવ્યા નહીં અને નાગરાજુની હત્યા થતી જોઈ રહ્યા.
તેલંગાણાના સરૂરનગરમાં દલિત યુવક બી નાગારાજુ પત્ની સુલતાના સાથે સ્કૂટી પર જઇ રહ્યો હતો ત્યારે હુમલાખોરો સૈયદ મોબિન અહેમદ, મોહમ્મદ મસૂદ અહેમેદે તેમને અટકાવ્યા હતા.તેમણે સુલતાનાને ધક્કો મારીને બાજુ પર ધકેલી દીધી હતી અને નાગરાજુના માથામાં લોખંડના પાઈપથી ઢોર માર માર્યો હતો.ત્યાર પછી ચાકુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.હત્યારો સૈયદ અહેમદ મૃતક દલિત યુવક નાગારાજુ સાથે તેની બહેનના સંબંધોનો ઘણા સમયથી વિરોધ કરતો હતો.સાથે જ તેણે અનેક વખત નાગારાજુની હત્યાની ધમકી પણ આપી હતી.સુલતાનાએ પતિ નાગરાજુના પરિવાર સાથે જ રહેવાનો અને પતિના પરિવાર માટે તેમના પુત્રની ખોટ પૂરી કરવાનો નિર્ણય કર્યો છે તેમ પોલીસે જણાવ્યું હતું.

