મુંબઇ : ત્રાસવાદીઓ મહારાષ્ટ્રમાં આતંકી હુમલાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી છે.હરિયાણામાં પકડાયેલા ચાર ખાલિસ્તાની આતંકવાદીને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ) તાબામાં લેવાની છે.રાજ્યમાં ખાલિસ્તાની આતંકવાદીના સ્લીપર સેલ સક્રિય હોવાનું કહેવાય છે.મહારાષ્ટ્રમાં ફરી ટેરરિસ્ટ એટેક કે અન્ય કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે પોલીસ એલર્ટ બની ગઇ છે.નવીમુંબઇમાં એક યુવકની ગતિવિધિ શંકાસ્પદ હોવાથી તેના પર પોલીસની નજર હોવાનું જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રના નાંદેડ, મનમાડ, નવી મુંબઇમાં ખાલિસ્તાની આતંકવાદીના સ્લીપર સેલ સક્રિય છે.આ સ્લીપર સેલના માધ્યમથી સામાન્ય લોકોના બ્રેન વૉશનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.નાંદેડ અને પંજાબ દરમિયાન અનેક જગ્યાએ સ્લીપર સેલ હોવાની માહિતી સિક્યુરિટી એજન્સીને મળી છે.તેઓ યુવકોને ખાલિસ્તાની એજન્ડા માટે તૈયાર કરતા હોવાનું જાણવા મળ્યું છે.
નવી મુંબઇમાં રહેતો એક યુવક શીખ નથી આમ છતાં તે શીખ ધર્મનો પ્રચાર, પ્રસારના કામમાં હોવાનું કહેવાય છે.આ સિવાય દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વખતે પણ તે નવી મુંબઇથી અમૂક જણને લઇને ત્યાં ગયો હતો. તેઓ આંદોલનમાં સામેલ થયા હોવાની જાણ થઇ છે.ગત અઠવાડિયે મહારાષ્ટ્રના નાંદેડ તરફ આવી રહેલા બબ્બર ખાલસા આતંકવાદી સંગઠન સંબંધિત શંકાસ્પદ ચાર ટેરરિસ્ટ ગુરપ્રીત, અમનદીપ, પરમિંદર, ભુપિન્દરને હરિયાણાના કરનાલમાં પોલીસે મોટા પ્રમાણમાં વિસ્ફોટક, શસ્ત્ર, કારતૂસ, રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
આતંકવાદીના મહારાષ્ટ્ર કનેક્શનની જાણ થતા પોલીસ સક્રિય બની છે.તેઓ ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ ઉર્ફે રિંદાના સંપર્કમાં હતા.તેણે પાકિસ્તાનથી પંજાબના ફિરોઝપુર ડ્રોનથી શસ્ત્રો મોકલ્યા હતા.મહારાષ્ટ્રના નાંદેડથી ચાર ટેરરિસ્ટ કારમાં તેલગણાના આદિલાબાદ જવાના હોવાની ખબર પડી હતી.આ લોકેશન પાકિસ્તાનથી આપવામાં આવ્યું હતું.
સ્લીપર સેલ દ્વારા રિંદાએ અગાઉ આરડીએક્સનો જથ્થો નાંદેડમાં મોકલ્યો હોવાની માહિતી શરૃઆતમાં મળી હતી.પણ બાદમાં જાણ થઇ હતી કે આરડીએક્સ તેલગણા મોકલવામાં આવ્યું હતું.મહારાષ્ટ્ર પોલીસ આતંકવાદીના મામલાની પણ તપાસ કરી રહી છે.તેઓ વિસ્ફોટકની શોધખોળ કરી રહ્યા છે.તેઓ નાંદેડ અને તેલંગણામાં હુમલા કરવાના હતા કે કેમ એની તપાસ શરૃ છે.આમ આ તમામ બાબતની તપાસ માટે મહારાષ્ટ્ર એટીએસના અધિકારી ચાર આતંકવાદીને તાબામાં લેવાના છે.
મૂળ પંજાબનો આતંકવાદી રિંદા મહારાષ્ટ્રના નાંદેડમાં સ્થાયી થયો હતો. નાંદેડમાં અનેક ગંભીર ગુનામાં તે સંડોવાયેલો હતો. હાલમાં તે પાકિસ્તાનમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.પાકિસ્તાનથી તે ભારત વિરોધી આતંકી કાવતરું ઘડતો હોવાનું તપાસમાં માલૂમ પડયું.હરિયાણામાં પકડાયેલા ચાર આતંકવાદી ગતી ૩૦ માર્ચથી બીજી એપ્રિલ દરમિયાન નાંદેડમાં રોકાયા હતા.ત્યારબાદ બિદર માર્ગે તેઓ ગોવા ગયા હતા.આથી આતંકવાદી હરિયાણા જવા પહેલા નાંદેડ ક્યા કારણથી રોકાયા હતા એની પોલીસ તપાસ કરી રહી છે.નાંદેડમાં તેઓ કોને મળ્યા હતા અને કયા સ્થળની મુલાકાત લીધી હતી આ તમામ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


