અમદાવાદ,તા.12 મે 2022, ગુરૂવાર : હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં જોગેશ્વરી રોડ પર છેલ્લા ત્રણ માસથી ખાડા ખોદીને મુકી રખાયા છે.જેમાં ગટરનું પાણી પણ ભરાયું છે. ગટરકામના લીધે ખોદવામાં આવેલા આ ખાડાના પુરાણ કામમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.જેના કારણે ગટરોના પાણી તેમા ભરાય છે, વાસ મારે છે.રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે.અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા પૂર્વ અમદાવાદમાંં હાલમાં ચલાવાઇ રહેલા વિવિધ વિકાસ કામો બેદરકારીને કારણે તેમજ પુરતું ધ્યાન અપાઇ રહ્યું ન હોવાના કારણે ટલ્લે ચઢ્યા છે.અધુરા ખોદકામ, અધુરા રોડ, ગટરના અધુરા કામો કે જે મહિનાઓથી ચાલી રહ્યા છે તે હજુ તેના અંતિમ ચરણમાં પહોંચ્યા નથી.
આ સ્થિતિ શહેરીજનોની હાલાકી વધારી રહી છે.રોજ જે રસ્તેથી પસાર થવાનું હોય તેની હાલત ભૂંડી હોય તો પછી કેમ કરીને એ રોડ પરથી આરામથી પસાર થઇ શકાય ? ટ્રાફિકજામની સમસ્યા નડે છે.ઉબડખાબડ અને કાચા રસ્તાઓ અકસ્માત નોંતરે છે.ડાયવર્ઝન લોકોને અનેક કિ.મી.ની લાંબી મુસાફરી કરવા મજબુર કરે છે અને લોકોના મોંઘાદાટ પેટ્રોલના ધુમાડા કઢાવે છે.આ વ્યથા વચ્ચે શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે.ચોમાસા પહેલા કામો પુરા કરવાનું મ્યુનિ.તંત્રનું આયોજન પાર પડે તેવું હાલની સ્થિતિ જોતા શહેરીજનોને લાગી રહ્યું નથી.આ ચોમાસામાં પણ લોકોએ હાલાકીઓતો ભોગવવી જ પડશે.


