મુંબઇ : મુંબઇમાં આવેલી તમામ દુકાનો ઓફિસો સહિત આસ્થાપનાઓ પરના નામ પાટિયા ૩૧મે સુધી મરાઠી ભાષામાં લખેલા હોવા જોઇએ એવો આદેશ મુંબઇ મહાનગર પાલિકાએ આપ્યો છે.ઉપરાંત બાર-દારૃની દુકાનોને દેવ-દેવીઓ અને મહાન હસ્તીઓ તેમજ ગઢ-કિલ્લાના નામ નહિં આપવા અથવા તે નામ હટાવી દેવાની ૩૦ જૂન સુધીની મુદત પાલિકાના શોપ એન્ડ એસ્ટાબ્લીસ વિભાગે આપ્યો છે.
જો દુકાનો- ઓફિસો તથા આસ્થાપનાઓ નામમા બોર્ડ મરાઠીમાં લખવાનું ફરજિયાત છે.તદ ઉપરાંત અન્ય ભાષામાં લખવા હોય તો મોટા અક્ષરમાં મરાઠી અને પછી નાના અક્ષર બીજી ભાષામાં નામ લખવાની છૂટ આપવામાં આવી છે.પરંતુ મરાઠી ભાષામાં બોર્ડ લખેલું નહિ હોય તો પાલિકા કાર્યવાહી કરશે.અદાલતમાં કેસ માંડશે.ન્યાયાલયની કાર્યવાહી ટાળવાના વિકલ્પે આકરો દંડ વસૂલ કરશે.ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર મંત્રીમંડળે માતૃભાષા દિન નિમિત્તે મરાઠી ભાષાના સંવર્ધન માટે દુકાનોના પાટિયાં મરાઠી ભાષામાં હોવાં જોઈએ તેવો આદેશ કર્યો હતો.આ આદેશની જવાબદારી સંબંધિત પાલિકાઓએ કરવાની રહે છે.


