– કાર્તિ ચિદમ્બરમે ખોટી રીતે પૈસા લઈને ચીની લોકોને વિઝા ઈશ્યુ કર્યા હતા
નવી દિલ્હી, તા. 17 મે 2022, મંગળવાર : કોંગ્રસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ(P. Chidambaram)ના દિલ્હી,મુંબઈ,ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગા સ્થિત પરિસરો પર કેન્દ્રીય બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દરોડા પાડી રહી છે.મળતી માહિતી પ્રમાણે, મંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ કેસના સંદર્ભમાં આ શહેરોમાં મંત્રીના લગભગ 7 રહેણાંક મકાનો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આરોપ છે કે, કાર્તિ ચિદમ્બરમે ખોટી રીતે પૈસા લઈને ચીની લોકોને વિઝા ઈશ્યુ કર્યા હતા.આ મામલો પંજાબના કોઈ પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત છે જેમાં વિઝા આપવામાં આવ્યા હતા.આ મામલામાં CBIએ નવો કેસ નોંધ્યો છે.કાર્તિ વિરૂદ્ધ ચેન્નાઈ, મુંબઈ,તમિલનાડુ,પંજાબ,ઓરિસ્સામાં કુલ 9 જગ્યાએ રેડ ચાલી રહી છે. જો કે દિલ્હીમાં અત્યાર સુધી કોઈ દરોડા પડ્યા નથી પરંતુ દિલ્હીના ઘરેથી સવારે કેટલાક દસ્તાવેજો લઈને CBI અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. CBIએ જે સ્થળો પર દરોડા પાડ્યા છે તેમાં ચેન્નાઈમાં 3, મુંબઈમાં 3 અને કર્ણાટક, પંજાબ અને ઓરિસ્સામાં એક-એક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, તપાસ એજન્સીએ કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ 2010-14 વચ્ચે થયેલા કથિત વિદેશી વ્યવહારોના સંબંધને લઈ નવો કેસ નોંધ્યો છે.તે મુજબ દરોડા પાડવામાં આવ્યા છે.કાર્તિ ચિદમ્બરમ વિરૂદ્ધ અનેક કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.જેમાં વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીથી INX મીડિયાને વિદેશમાંથી રૂ. 305 કરોડ મળ્યાનો કેસ પણ સામેલ છે.તે સમયે તેમના પિતા પી ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા.
કાર્તિ ચિદમ્બરમે આ દરોડા પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, તેમણે હવે ગણતરી બંધ કરી દીધી છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, ‘હવે મેં ગણતરી કરવાનું બંધ કરી દીધું છે.આવું કેટલી વાર થયું છે? આ પણ નોંધવું જોઈએ’.

