– જ્યારથી આ દાવાઓએ વેગ પકડવાનું શરૂ કર્યું છે,જામા મસ્જિદના અધિકારીઓ પરેશાન છે
ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી મસ્જિદ અને ત્યાં ચાલી રહેલ સર્વેનો વિવાદ હજુ ઠંડો પડ્યો નથી કે હવે કર્ણાટકમાં વધુ એક વિવાદના એંધાણ વર્તાયા છે.આ વિવાદ કર્ણાટકમાં ટીપુ સુલતાનના સમયમાં બનેલી મસ્જિદને લઈને છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે વાસ્તવમાં તે મસ્જિદની જગ્યાએ હનુમાન મંદિર હતું.
જામા મસ્જિદ બેંગ્લોરથી 120 કિમી દૂર શ્રીરંગપટનામાં આવેલી છે.એવું કહેવાય છે કે ટીપુ સુલ્તાને તેનું નિર્માણ કર્યું હતું,પરંતુ કેટલાક હિંદુ સંગઠનો માને છે કે ટીપુ સુલતાન ખરેખર મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી.આ કારણોસર હવે નરેન્દ્ર મોદી વિચાર મંચે તે મસ્જિદમાં પૂજા કરવાની માગ ઉઠાવી છે.મંચના રાજ્ય સચિવ સીટી મંજુનાથે ભારપૂર્વક જણાવ્યું છે કે ટીપુ સુલતાનના ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવા આ નિવેદનને સાચા સાબિત કરે છે,ત્યાં હનુમાન મંદિર હતું.એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે મસ્જિદની દિવાલો પર હિંદુ શિલાલેખો મળી આવ્યા છે,જે તેમના મંદિર સિદ્ધાંત પર ભાર મૂકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કર્ણાટકના પૂર્વ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ પણ કહ્યું છે કે હવે “મુસ્લિમો પણ એ વાત પર સહમત થઈ ગયા છે કે ખરેખર મસ્જિદને બદલે મંદિર હતું.મુઘલોએ 36000 મંદિરોને નષ્ટ કર્યા એ વાત કોઈનાથી છુપી નથી.” તેમના મતે, તેઓ દરેક મંદિર પરત મેળવી શકશે,આ કોઈને પણ અસુવિધા કે મુશ્કેલી વિના કરવામાં આવશે.
જોકે, જ્યારથી આ દાવાઓએ વેગ પકડવાનું શરૂ કર્યું છે,જામા મસ્જિદના અધિકારીઓ પરેશાન છે.હવે તેમના તરફથી મસ્જિદની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી છે.અત્યાર સુધી કર્ણાટક સરકાર કે અન્ય કોઈ મોટા સંગઠને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અહીં એ જાણવું પણ જરૂરી છે કે શ્રીરંગપટના માંડ્યા જિલ્લામાં આવે છે.આ એ વિસ્તાર છે જ્યાં વોક્કાલિગા સમુદાયનું વર્ચસ્વ છે.રાજકીય નિષ્ણાતો આ વિસ્તારને કર્ણાટકની અયોધ્યા માને છે.આ કારણોસર ભાજપ પણ આ વિસ્તારમાં વિસ્તરણ કરવા માગે છે.હાલમાં આ જગ્યાએ જનતા દળ (સેક્યુલર)નું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

