– ૨૧ કે ૨૯ મેએ સભા યોજવા પોલીસ પાસેથી પરવાનગી માગવામાં આવી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે આવતી પાંચમી જૂને અયોધ્યાની મુલાકાતે જવાના છે.તેમની સાથે હજારોની સંખ્યામાં મનસૈનિકોને તેઓ લઈ જવાના હોવાથી તેમણે રેલવે પાસેથી ૧૦થી ૧૨ સ્પેશ્યલ ટ્રેનની માગણી કરી છે.અયોધ્યા જતાં પહેલાં તેમની પુણેમાં જાહેર સભા યોજાવાની શક્યતા છે.એમએનએસ દ્વારા પુણે પોલીસ પાસે ૨૧ કે ૨૯ મેએ જાહેર સભા માટે અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈ,થાણે અને ઔરંગાબાદ પછી રાજ ઠાકરે પુણેમાં જાહેર સભા યોજે એવી શક્યતા છે.પાંચમી જૂને રાજ ઠાકરે મનસૈનિકો સાથે અયોધ્યાની મુલાકાતે જવાના છે એની તૈયારી ચાલી રહી છે ત્યારે તેમની પુણેમાં સભા યોજવા માટે પોલીસ પાસેથી પરવાનગી માગવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એમએનએસના અધ્યક્ષ આજથી પુણેની બે દિવસની મુલાકાતે જવાના છે ત્યારે પાર્ટી દ્વારા અહીં તેમની સભા માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી છે.પુણેના એસ.પી. કૉલેજના મેદાનમાં જાહેર સભાના આયોજન માટે એમએનએસના પુણે શહેરના અધ્યક્ષ સાઈનાથ બાબરે પોલીસ કમિશનરને પત્ર લખીને પરવાનગી આપવાની વિનંતી કરી છે.
ઔરંગાબાદની સભામાં રાજ ઠાકરેએ જાહેર કર્યું હતું કે તેઓ વિદર્ભ,કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રમાં પણ સભા લેશે.રાજ ઠાકરેએ મસ્જિદ પરના લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવીને હિન્દુત્વતરફી વલણ અપનાવવાની શરૂઆત કર્યા બાદ સત્તાધારી પક્ષ શિવસેના સહિત મહા વિકાસ આઘાડી સરકારમાં ખળભળાટ મચી ગયો છે.
ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ લીધા વિના શનિવારની સભામાં કહ્યું હતું કે ‘મુન્નાભાઈ’ ફિલ્મના મુન્નાભાઈમાં કેમિકલ લોચો હતો એવો જ લોચો જે લોકો પોતાને બાળાસાહેબ સમજે છે તેમના મગજમાં થયો છે.રાજ ઠાકરે આ ટીકાનો કેવો જવાબ આપે છે એ જોવાનું રહ્યું.


