ધામડોદમાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતાં ત્રણ ઝડપાયા

127

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં ને.હા-48 ઉપર જી.ઇ.બી સબસ્ટેશન નજીક પતરાનો શેડ બનાવી તેમાં ગેર કાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં ત્રણ વ્યક્તિને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી 520 લિટર બાયોડીઝલ તેમજ એક કાર અને મોપેડ મળી કુલ 4,17,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત જિલ્લામાં ઘણા સમયથી અવાર નવાર ગેરકાયદે બાયોડિઝલનો જથ્થો વિશાળ સંખ્યામાં ઝડપાયો છે.તંત્રની કોઇ બીક ન હોય તેમ કેટલાક તત્વો ખુલ્લેઆમ હાઇવે ઉપર બાયોડીઝલ ગેરકાયદે રીતે વેચી રહ્યાં છે.પોલીસ પણ બાતમી મળે ત્યારે દરોડો પાડીને આ પ્રકારે ગેરકાયદે રીતે વેચાતું બાયોડીઝલ ઝડપે છે.ત્યારે સુરત ગ્રામ્ય પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે ધામડોદ ગામની સીમમાં ને.હા-48 ઉપર ટીકમોન કંપની તથા જી.ઇ.બી સબસ્ટેશનની વચ્ચે આવેલ પતરાના શેડ વાળી જગ્યાએ રેડ કરી હતી.તે સમયે ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓ ગેર કાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં ઝડપાયા હતા. પકડાયેલ શખ્સોની પૂછ પરછ કરતાં તેમણે પોતાના નામ અકબર અફસાર શેખ (રહે, જૂના કોસંબા, ઈદગાહ ફળિયું, તા-માંગરોળ), ઝુબેર યુસુફ શાહ (રહે, જૂના કોસંબા, ઈદગાહ ફળિયું) તથા મુસ્તાકઅલી ઈસ્માઈલ છીતા (રહે, હથોડા ગામ, મસ્જિદફળિયું) નો હોવાનું જણાવ્યુ હતું.સ્થળ પરથી પોલીસે 520 લિટર બાયોડિઝલ,એક કાર નંબર જીજે-19-એએમ-8006 તથા એક્ટિવા મોપેડ નંબર જીજે-19-એક્યૂ-9205 તથા ઇલેક્ટ્રીક સ્ટેબિલાઇઝર મળી કુલ રૂ.4,17,900 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now