અમદાવાદ : ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ એક બોલેરો ગાડીને રોકીને દસ્તાવેજો માંગ્યા હતા.ત્યારબાદ વાહનચાલકને માર મારી દાદાગીરી કરીને બળજબરીથી રૂ.6 હજાર પડાવી લીધા હતા.વાહનચાલકે આ અંગે પોલીસ કમિશનર તથા સેક્ટર 2ને અરજી કરી હતી.અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.બાદમાં લુખ્ખાગીરી પર ઉતરી આવેલા અને નિર્દોષ વાહનચાલકને માર મારી પૈસા પડાવનાર પોલીસકર્મીના વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મૂળ દાહોદ જિલ્લાના જાલતના વતની પંકજભાઈ તેમની બોલેરો ગાડી લઈને પોતાના સબંધીઓ સાથે વિદ્યાર્થીઓના ગાંધીનગર મોટા ચિલોડા સહજાનંદ સ્કૂલ ઓફ એચિવર ખાતે એડમિશન લેવા જઈ રહ્યા હતા ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેક પોસ્ટ નજીક કેટલાક પોલીસકર્મીઓ તથા હોમગાર્ડના જવાનોએ ભેગા મળીને તેમની ગાડીને ચેકિંગના બહાને રોકી હતી.બાદમાં તમામને ગાડીમાંથી ઉતારી દીધા હતા અને ગાડીના દસ્તાવેજો માંગીને પંકજભાઈ સાથે ગાળાગાળી કરી પ્લાસ્ટિકના પાઈપથી માર માર્યો હતો.ગાડી જોઈતી હોય તો 10 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું.બાદમાં પોલીસકર્મીઓએ બળજબરીપૂર્વક 6 હજાર રૂપિયા પડાવી લીધા હતા.પછી ધાક ધમકી આપીને પંકજભાઈને તેમની કારમાં બેસાડીને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું.પકંજભાઈએ પોલીસની આવી હરકતો જોઈને તેમણે ઉચ્ચ અધિકારીઓ સુધી જાણ કરી હતી.
આ ઘટનાની જાણ અમદાવાદના સેક્ટર 2 ગૌતમ પરમારને થતાં તેમણે તરત જ આ અંગેની તપાસ કરવાના આદેશ આપ્યા હતા.બાદમાં ડીસીપી ઝોન 5 તથા એસીપીની ટીમે આ અંગે તપાસ કરી હતી. પોલીસ કર્મીઓએ ખોટી રીતે પંકજભાઈને માર મારી પોતે પોલીસ હોવાની દાદાગીરી કરીને બળજબરી કરી 6 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું.જેના પગલે તોડકાંડમાં સામેલ કોન્સ્ટેબલ વિજયસિંહ, કોન્સ્ટેબલ દીપકસિંહ,હોમગાર્ડ મેહુલ ગોવિંદભાઈ અને તેમને સાથ આપનારના વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઓઢવના પોલીસ કર્મચારીઓની લુખ્ખાગીરી વાહનચાલકને માર મારી 6 હજાર પડાવી લીધા

Leave a Comment

