અમદાવાદ : રવિવાર,22 મે,2022 : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં નવી પચાસ ઈલેકટ્રીક બસોનો આવનારા સમયમાં સમાવેશ કરાશે.આ બસો બી.આર.ટી.એસ.ના નિયમ મુજબ દોડાવાશે.પેસેન્જર ભાડા ઉપરાંત કન્સેશનમાં પણ બી.આર.ટી.એસ.માં લાગૂ કરાયેલા ધોરણ લાગૂ કરાશે.ટ્રાન્સપોર્ટ કમિટીની મંગળવારે આ અંગેની દરખાસ્ત મંજુરી માટે મુકાઈ છે.
આ વર્ષે મંજુર કરવામાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના બજેટમાં પચાસ ઈલેકટ્રીક બસ લાવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.શહેરમાં હાલમાં ચાલતા એ.એમ.ટી.એસ.ના હયાત રુટોમાં દોડાવવામાં આવતી બસોના કાફલામાં આવનારા સમયમાં નવી પચાસ ઈલેકટ્રીક બસોનો સમાવેશ થયા બાદ શિડયુલની બસો પૈકી અલગ અલગ રુટોમાં બી.આર.ટી.એસ.ના નિતી નિયમો મુજબ જેમાં ભાડા ઉપરાંત કન્સેશન સહિત વિવિધ યોજનાઓ જે હાલમાં બી.આર.ટી.એસ.માં લાગૂ કરાઈ છે એ મુજબ બસ ચલાવવા તથા ભવિષ્યમાં રુટોના ફેરફાર કરવા સહિતના અન્ય નિર્ણય કરવા ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિટીના ચેરમેનને સત્તા આપવા મંજુરી માંગતી દરખાસ્ત રજૂ કરાઈ છે.પંદરમા નાણાંપંચની ગ્રાન્ટમાંથી એ.એમ.ટી.એસ.ની માલિકીની પચાસ બસો લેવામાં આવશે.આ બસો શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરુર મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવા,ભવિષ્યમાં રુટમાં ફેરફાર કરવા તથા રુટ બંધ કરવા અંગેની સત્તા ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજરને આપવા મંજુરી માંગવામાં આવી છે.


