અમદાવાદ : શહેરનાં નારણપુરા વિસ્તારમાં ભૂયંગદેવ ચાર રસ્તા તરફની ગ્રીન બેલ્ટની જમીનમાં વિકાસ ધમધોકાર શરૂ થયો છે ત્યારે ત્યાં પાણીની ટાંકી બનાવવા માટે મ્યુનિ.ને ઓવરહેડ વીજલાઇન નડી જતાં હવે અન્યત્ર પ્લોટની શોધખોળ કરવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર,નારણપુરા બસ સ્ટેન્ડ આગળ જૂના ખોડિયાર મંદિરથી મેમનગર તરફ જતાં રોડ અને સોલા હાઉસીંગની પાછળ ગ્રીન બેલ્ટની જમીન આવેલી છે,જયાં કપાતનાં મુદ્દે વર્ષો સુધી વિવાદ બાદ આખરે ટીપી સ્કીમ જાહેર થયા પછી હવે પાર્ટી પ્લોટસની જગ્યાએ રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો શરૂ થયાં છે.આ જમીનમાં ડેવલપમેન્ટ બાદ હજારો નાગરિકો રહેવા આવશે તેમને પીવાનું પાણી પૂરૂ પાડવા માટે ગ્રીન બેલ્ટની જમીનમાં મ્યુનિ.ને ટીપી સ્કીમ અન્વયે રિઝર્વ પ્લોટ ફાળવવામાં આવે ત્યાં પાણીની ટાંકી બનાવવાનું નક્કી થયું હતું.જોકે,મ્યુનિ.નાં જે તે સમયનાં ટાઉન પ્લાનીંગ ખાતાનાં અધિકારીઓ અને ટીપીઓએ ગ્રીનબેલ્ટની જમીનમાં મ્યુનિ.ને ઓવરહેડ વીજલાઇન નીચે પ્લોટ ફાળવી દીધો હોઇ ત્યાં પાણીની ઓવરહેડ ટાંકી બની શકે તેમ નથી.આ બાબતે મ્યુનિ.વોટર સપ્લાય કમિટીમાં પૃચ્છા કરવામાં આવતાં ચેરમેન જતીનભાઇ પટેલે ગ્રીન બેલ્ટની જગ્યામાં બીજા પ્લોટની તપાસ ચાલુ છે અને લગભગ બગીચા હેતુ માટેનો પ્લોટ હશે તો તેને પાણીની ટાંકીવાળા પ્લોટ સાથે અદલાબદલી કરીને પણ ટાંકી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.


