લોકોને પાણી બચાવવાની સલાહ આપતી પાલિકા જ પાણી વેડફી રહી છે

143

સુરત : તા.24 મે 2022,મંગળવાર : હાલ ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીની માગમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી પાલિકા તંત્ર લોકોને પાણી બચાવવાની સલાહ આપી રહ્યું છે.લોકોને પાણીની બચતની સલાહ આપતું પાલિકા તંત્ર જ ખુદ પાણીનો બગાડ કરી રહ્યું છે.પાલ કેનાલ રોડના વોક-વેમાંથી છેલ્લા દસેક દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આ પાણી જાહેર રસ્તા પર વહી રહ્યું છે.આ વોક-વે ઉપરાંત પાલિકાના ગાર્ડન અને સર્કલમાં ફુલ-છોડની માવજત માટે મુકેલા પાણીના નળનો દુરુપયોગ લારી ગલ્લાવાળા કરી રહ્યાં છે તેમ છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે.

સુરત પાલિકાના પાલ-પાલનપોર કેનાલ રોડ પર વોક-વે બનાવવામાં આવ્યો છે.આ વોક-વેમાં રોપાયેલા ફુલ છોડની માવજત માટે કેટલીક જગ્યાએ પાણીના નળ પોઈન્ટ આપવામાં આવ્યા છે.પરંતુ છેલ્લા દસેક દિવસથી આ વોક-વેમાંથી પાણીનો બગાડ થઈને પાણી જાહેર રોડ પર વહી રહ્યું છે તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થવા ઉપરાંત ગંદકી પણ થઈ રહી છે.આ વોક-વેમાંથી વેડફાતા પાણીના કારણે આસપાસના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.લોકોની ફરિયાદ છતાં પણ પાલિકા તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે

Share Now