સુરત : તા.24 મે 2022,મંગળવાર : ઉધના ભીમનગર આવાસમાં દુકાનદારે ઉધારમાં બીડી આપવાનો ઇન્કાર કરતા માથાભારે યુવાને ચપ્પુ વડે ડરાવી રોકડ,મોબાઇલ અને સોનાની કડી મળી કુલ રૂ. 26,300ની મત્તા લૂંટી લેતા ઉધના પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉધના ભીમનગર આવાસની બિલ્ડીંગ નં.20 માં અનાજ-કરિયાણાની દુકાને ગત રાતે સાગર ઉર્ફે સાગર માનસિક દશરથ કજબે (રહે.ઠાકોર નગર,ડીંડોલી)આવ્યો હતો.દુકાનદાર દેવીલાલ ભેરૂલાલ કુમાવત(ઉ.વ.25 ઘર નં.8,બિલ્ડીંગ નં.20,ભીમનગર આવાસ,ઉધના અને મૂળ રહે.મોરા,તા,રેલમંગરા,જિ.રાજસમદ,રાજસ્થાન)પાસે ઉધારમાં બીડી માંગી હતી.પરંતુ દેવીલાલે ઇન્કાર કરતા સાગરે તું મને જાણતો નથી,હું સાગર માનસિક છું,તું મને ઉધાર નહીં આપશે તો કમર પર લટકાવેલું ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી શર્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.5 હજાર અને કેશ કાઉન્ટરમાંથી રૂ.8 હજાર,મોબાઇલ ફોન અને કાનમાં પહેરેલી સોનાની કડી મળી કુલ રૂ.26,300 ની મત્તા લૂંટીને ભાગી ગયો હતો.