મુંબઇ : બોલિવુડની સૌથી બોલકી અભિનેત્રી કંગના રણૌતની નવી ફિલ્મ ધાકડ ટિકિટબારી પર ભારે ફ્લોપ થઈ છે.દેશમાં કેટલાંય સ્થળે થિયેટરમાં એક પણ પ્રેક્ષક નહીં આવતાં શો રદ કરવા પડયા છે અને હવે કેટલાંય સ્ક્રીનમાંથી આ ફિલ્મ ઉતારી લેવામાં આવી છે. કંગનાની આ સળંગ નવમી ફિલ્મ ફ્લોપ થતાં તેની બોલિવુડ કેરિયર માટે પ્રશ્નાર્થ સર્જાયો છે.ધાકડ પહેલા દિવસે માંડ એક કરોડનું કલેકશન મેળવી શકી હતી.ત્રણ દિવસમાં તેનું કલેક્શન માંડ ત્રણ કરોડ પર પહોંચ્યું છે.૫૫થી ૬૦ કરોડમાં બનેલી આ ફિલ્મ લાઈફ ટાઇમ ચોથા ભાગનું કલેક્શન પણ મેળવી શકે તેવી શક્યતાઓ ધૂંધળી છે.કંગનાની આ અગાઊ આઈ લવ એનવાય,કટ્ટી બટ્ટી,રંગૂન,સિમરન,મણિકર્ણિકા,જજમેંટલ હૈ ક્યા,પંગા અને થલાઈવી ફિલ્મો નિષ્ફળ થઈ ચૂકી છે.વાસ્તવમાં આ અભિનેત્રીને તનુ વેડ્સ મનુના બીજા ભાગમાં જે સફળતા મળી હતી તેનું પુનરાવર્તન ક્યારેય થયું જ નથી.કંગનાને ચાર વખત નેશનલ એવોર્ડઝ મળી ચૂક્યા છે.બીજા અનેક ફિલ્મી એવોર્ડઝતેના ખાતે બોલે છે.તેને ત્રણ વર્ષ પહેલાં પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવી છે.કંગનાની બે ફિલ્મો તેજસ અને ટિકુ વેડ શેરુને બાદ કરતાં તેની પાસે અન્ય કોઈ મોટું બેનર નથી.વાસ્તવમાં છેલ્લા કેટલાય સમયથી બોલિવુડના નિર્માતાઓએ તેને સાઈન કરવાનું જ બંધ કરી દીધું છે. આમ એક બહુ પ્રશઁસા પામેલી અભિનેત્રીની કેરિયર પર ગ્રહણ લાગી ચૂક્યું છે.


