અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમવાર સ્નાનાગારમાં 54 કર્મચારીઓ લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.જે એજન્સી આ 54 કર્મચારી પૂરા પાડશે તેનું ટેન્ડર મંજૂર કરવામાં આવશે.ટેન્ડર ભરવાની તારીખ 17મી જૂન નક્કી કરવામાં આવી છે.બીજીબાજુ મ્યુનિ.સ્નાનાગારમાં કોન્ટ્રાક્ટ બેઝ પર 36 જેટલા કર્મચારીઓ છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે,એમને કાયમી કરવાની કોઈ હિલચાલ નથી.આ જ સ્ટાફે તાજેતરમાં બે ગોલ્ડ,ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે અને તેમને અભિનંદન આપતી પ્રેસનોટ પર આજે જ ઈશ્યૂ કરવામાં આવી છે.જો આ સ્ટાફ એટલો સારો હોય તો તેમને કાયમી કરી લેવા જોઈએ તેવી માંગ પણ ઊઠવા પામી છે.અમદાવાદ મ્યુનિ.સંચાલિત સ્નાનાગારનો દબદબો વર્ષોથી છે,મ્યુનિ.ના મોટાભાગના સ્નાનાગાર ઉનાળામાં હાઉસફુલ હોય છે ત્યારે સ્ટાફ ઓછો પડે છે અને એ માંગને પહોંચી વળવા મ્યુનિ.કમિશનરે આઉટ સોર્સિંગથી જગ્યા ભરવાની જાહેરાત અગાઉ કરી હતી.પરંતુ તે પહેલાં 36 કર્મચારી છેલ્લા 12 વર્ષથી માંડ રૂ.15 હજારના પગારમાં ફરજ બજાવી રહ્યા છે.આ કર્મીઓને કાયમી કરવા જોઈએ તેવી રજૂઆત ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ પણ કરી છે.આ કર્મીઓએ મ્યુનિ.ને છેલ્લા 12 વર્ષમાં ઘણા મેડલ અપાવ્યા છે.તાજેતરમાં ખેલ મહાકુંભમાં વડોદરા ખાતે રાજ્ય કક્ષાની રમાયેલી સ્પર્ધામાં અમદાવાદ મ્યુનિ.સંચાલિત સ્નાનાગારના બાળકોએ ધૂમ મચાવી હતી અને તેની નોંધ વહીવટી તંત્રએ લીધી છે.આવી ઘણી સ્પર્ધા મ્યુનિ.ના બાળકોએ જીતી છે,ત્યારે વહીવટી તંત્ર અંદરો અંદરની ખેંચતાણને બાજુમાં રાખી આ કર્મચારીઓને કાયમી કરવા જોઈએ,તેવી માંગ ઊઠવા પામી છે.સૂત્રોએ કહ્યું કે,મ્યુનિ.માં વર્ષો અગાઉ કાયમી અધિકારી કમ કોચ અને આસી.સ્વીમીંગ કોચ ફરજ બજાવતાં હતા તે સ્નાનાગારમાં ખાસ ધ્યાન આપતાં અને મ્યુનિ.ને કોઇ જાતનુ નુકશાન ન થાય તે જોતાં હતા.એટલુ જ નહિ તેમનાં સમયે તો તરવા કે શીખવા આવતાં નાનામોટા સો કોઇને સલામતીની ખાતરી રહેતી હતી.
હવે જો ખાનગી એજન્સીનાં કોચ રાખવામાં આવશે અને કોઇ દુર્ઘટના સર્જાશે તો મ્યુનિ.સત્તાધીશો ખાનગી એજન્સી ઉપર દોષનો ટોપલો ઢોળીને છટકી જશે.મ્યુનિ.તંત્ર દ્વારા ભાજપની મંજૂરીથી જ કોચ પૂરા પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવાનુ સ્નાનાગારોમાં આવતાં સભ્યોમાં ચર્ચાઇ રહયુ છે અને તેનો વિરોધ કરતાં સભ્યોએ તો સ્નાનાગાર બહાર અને પછી મ્યુનિ.કચેરી ખાતે સ્નાનાગારનો ડ્રેસ પહેરીને દેખાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનુ જાણવા મળ્યુ છે.


