મુંબઈ : સસ્તા ભાવે સોનુ અપાવવાને બહાને નાગપુરના એક જ્વેલર સાથે ૧૨ લાખ રૃપિયાની ઠગાઈના આરોપસર તહેસલી પોલીસે સીતાબુલ્ડી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા એક કોન્સ્ટેબલ અને એક સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની પત્નીની ધરપકડ કરી હતી.આ ઘટનામાં પકડાયેલા કોન્સ્ટેબલની ઓળખ પંકજ રામટેકે(૪૦)જ્યારે મહિલાની ઓળક પલ્લવી કમલેશ જાવલેકર(૩૨)તરીકે કરવામાં આવી છે.આ પ્રકરણે ઠગાઈનો ભોગ બનનાર જ્વેલર રવિ ગજાનન લોલગેની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર જ્વેલર રવિ અને આરોપી પંકજ નાનપણના મિત્રો છે અને અહીંના એક જ વિસ્તારમાં રહે છે.પંકજ સીતાબુલ્ડી પોલીસના ડીબી સ્કવોડમાં કોન્સ્ટેબલ છે.જ્યારે પકડાયેલી મહિલા પોલીસ ક્વોટરમાં રહે છે.રવિ અને પંકજ નાનપણના મિત્ર હોવાથી પંકજ અવારનવાર રવિની જ્વેલરીની દુકાનમાં આવતો-જતો રહેતો.૧૦ ફેબુ્રઆરીના તેણે રવિને સસ્તા ભાવે સોનુ આપવાની વાત કરી હતી.તેથી રવિ લલચાયો હતો.પંકજે બીજા દિવસે રવિને ૧૦૦ ગ્રામ(૧૦ તોલા)સોનુ ૪.૯૦ લાખમાં આપ્યું હતું.ત્યાર બાદ બીજા જ અઠવાડિયે તેણે વધુ ૧૦ તોલા સોનુ વધુ ઓછા દરે એટલે કે ૪.૬૦ લાખમાં આપ્યું હતું.આ રીતે રવિને પંકજ પર વધુ વિશ્વાસ બેસી ગયો હતો.
પંકજે ત્યાર બાદ રવિને ૬૫ તોલા સોનુ આપવાની રજૂઆત કરી હતી.જોકે રવિએ એટલા પૈસા ન હોવાનું જણાવતા પંકજે સોનાની મૂળ માલિક પલ્લવી જાવલેકર પણ ૩૦ તોલા સોનુ વેચવાનું હોવાનું કહેતા ૧૨ લાખમાં ડીલ નક્કી થઈ હતી.પલ્લવી ત્યાર બાદ સોનુ લેવા બન્નેને એક દુકાનમાં લઈ ગઈ હતી.અહીં તેણે બન્નેને બહાર રાહ જોવા કહ્યું હતું તે થોડા સમયમાં પાછી આવી હતી અને સોનુ કાલે મળશે તેવું જણાવી ૧૨ લાખ રાખી મૂક્યા હતા.જોકે ત્યાર બાદ રવિને ક્યારેય સોનું મળ્યું નહોતું અને આ બન્નેએ તેના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા રવિને ઠગાઈ થઈ હોવાનું લાગતા તેણે તહેસીલ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.


