વારાણસી : સુપ્રીમ કોર્ટના આદેશના આધારે જ્ઞાનવાપી મસ્જિદના કેસની સુનાવણી કરતી વારાણસી કોર્ટના જજે કહ્યું હતું કે તે પહેલાં મસ્જિદ સમિતિની દલીલો સાંભળશે જેમાં ગયા સપ્તાહે મસ્જિદની અંદર કરવામાં આવેલા વિડિયો શૂટિંગને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું હતું,જેની સુનાવણી ગુરુવારથી થશે. હિન્દુ તેમ જ મુસ્લિમ પક્ષોને એક સપ્તાહની અંદર સર્વે રિપોર્ટ સામે તેમના વાંધાઓ રજૂ કરવા જણાવ્યું હતું.મસ્જિદ સમિતિનું કહેવું છે કે મસ્જિદમાં કરવામાં આવેલો સર્વે ૧૯૯૧ના કાયદાનું ઉલ્લંઘન છે જે દેશના કોઈ પણ પૂજા સ્થળની સ્થિતિમાં ફેરબદલને અટકાવે છે.આ કાયદા મુજબ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટથી અસ્તિત્વમાં આવેલા કોઈ પણ ધાર્મિક સ્થાનની સ્થિતિમાં પરિવર્તન ન થઈ શકે.દરમ્યાન જ્ઞાનવાપી સંકુલમાં વિડિયોગ્રાફી સર્વેમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવા માટેની મંજૂરી માગતી નવી અરજી પણ ગઈ કાલે દાખલ કરવામાં આવી હતી.વિશ્વ વેદિક સનાતન સંધ તરફથી દાખલ કરવામાં આવેલી આ અરજી મુજબ મુસ્લિમોના જ્ઞાનવાપી કૉમ્પ્લેક્સ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અરજી કરવામાં આવી હતી.કોર્ટે કહ્યું કે આ અરજી મામલે પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

