નવી દિલ્હી : સ્પાઇસજેટ ઍરલાઇન્સની સિસ્ટમ પર ગઈ કાલે સવારથી સાઇબર અટૅક થયો હતો જેને કારણે દેશભરની તેની ઘણી ફ્લાઇટો મોડી થઈ હતી.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇટી ટીમે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે તેમ જ ધીમે-ધીમે પરિસ્થિતિ પૂર્વવત થઈ રહી છે.જોકે કેટલાક મુસાફરોએ વિડિયો ટ્વીટ કર્યા હતા જેમાં તેઓ ચાર કરતાં વધુ કલાકથી ફસાયેલા હોવાનું જણાવ્યું હતું.ગઈ કાલે સવારથી જ સ્પાઇસજેટની ફ્લાઇટ મોડી પડવા લાગતા વિવિધ મુસાફરોએ સોશ્યલ મીડિયામાં પોતાની ફરિયાદ કરી હતી,ત્યાર બાદ ઍરલાઇન્સે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે‘મંગળવારે રાત્રે સ્પાઇસજેટની સિસ્ટમ પર રેનસેમવેર હુમલાનો પ્રયાસ થયો હતો જેની અસર સવારની ફલાઇટ પર પડી હતી.હવે પરિસ્થિતિ પૂર્વવત થઈ છે.’જોકે કંપનીના આ ટ્વીટના જવાબમાં એક યુઝરે કહ્યું હતું કે છેલ્લા ચાર કલાકથી તે ધર્મશાળા જવા માટેના વિમાનમાં બેઠો છે હજી સુધી કોઈ પણ જાતનું ભોજન પણ આપવામાં નથી આવ્યું.

