– 17 મે ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો
નવી દિલ્હી, તા. 26 મે 2022, ગુરૂવાર : સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને એક મોટો ઝટકો આપ્યો છે.કોર્ટે સમૂહ સાથે સબંધિત કંપનીઓની તપાસ પર અંતરિમ રાહત આપવા અને તપાસ પર રોક લગાવવાના દિલ્હી હાઈ કોર્ટના આદેશને રદ કરી દીધો છે. કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠે સહારા ગ્રુપ સાથે સબંધિત 9 કંપનીઓની તપાસ પર રોક લગાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી SFIO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને અનુમતિ આપી છે.
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, સહારા ગ્રુપની કંપનીઓ સામે SFIOની તપાસ પર રોક લગાવતો દિલ્હી હાઈકોર્ટનો આદેશ યોગ્ય નહતો.આદેશમાં કહેવામાં આવ્યું કે, હાઈ કોર્ટે આ આદેશ આપીને મામલાની આખી તપાસ જ રોકી દીધી છે.આ પ્રકારનો આદેશ માત્ર અસાધારણ મામલામાં જ આપી શકાય છે.ખંડપીઠે જણાવ્યું હતું કે, ઉનાળાની રજાઓ પછી બે મહિનામાં હાઈકોર્ટમાં મામલાનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.આ મામલે સહારા ગ્રુપ તરફથી કહેવામાં આવ્યું કે, આ રીતે SFIO કંપનીઓની તપાસ નહીં કરી શકે.નિયમો પ્રમાણે એજન્સીઓને આ પ્રકારની કંપનીઓની તપાસની પરવાનગી નથી.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂઢ઼ અને બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે SFIOની અરજીને અનુમતિ આપી છે. 17 મે ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, સહારા ગ્રૂપના વડા સુબ્રત રોય સામે અન્ય બેન્ચ દ્વારા લુકઆઉટ સર્ક્યુલર પર તાજેતરના સ્ટેના સંદર્ભમાં SFIO તરફથી થોડી આશંકા હતી.મહેતાએ કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી તેના પર રોક લગાવી દેવી જોઈએ.

