સુરત : કાપડબજારના વેપારીઓ માટે સૌથી મોટી સમસ્યા પેમેન્ટ સંબંધી છે.પેમેન્ટની ચુકવણી પેટે આપવામાં આવતાં ચેક ૩ મહિના પછી નકામા થઈ જાય છે.ત્યારે આવા સંજોગોમાં શું કરવું જોઈએ?તેનું માર્ગદર્શન વેપારીઓ વતી પોલીસ વિભાગ પાસે માંગવામાં આવ્યું હતું.કાપડ બજારમાં કામકાજ કરતાં લેભાગુઓ અને બદમાશો વિરુદ્ધમાં કેવાં પગલાંઓ લઈ શકાય કે,જેથી વેપારીઓના પૈસા ડૂબે નહીં.આવા તત્વો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી સુધરવાના નથી.આથી સબક મળે તેવાં ખૂબ જ અસરકારક પગલાં લેવાં ખૂબ જરૃરી છે,એવો મત અગ્રણી વેપારીએ વ્યક્ત કર્યો હતો.
માલના બદલામાં ચેક આપતાં વેપારીઓ વિનંતી કરીને થોભી જવાનું જણાવે છે અને ત્રણ મહિના પછી ચેક નકામો થઈ જાય છે.ઘણા વેપારીઓ તો પૈસા આવશે ત્યારે ચૂકવી દઇશું,એમ કરીને હાથ ઊંચા કરી દે છે.પેમેન્ટ મુદ્દો સિવિલનો છે,ક્રાઈમનો નથી,એમ જણાવીને ટલ્લે ચઢાવી દેવામાં આવે છે.માર્કેટમાં છેતરપિંડીના ઇરાદાથી ધંધો કરતાં એવાં વેપારીઓના પાનકાર્ડ ઈન્કમટેકસ વિભાગને સુચના આપીને ફ્રીજ કરાવવા જોઈએ કે જેથી ભવિષ્યમાં બીજા નવાં કામકાજ નહીં કરી શકે,એવું સુચન પણ વેપારીઓ વતી મૂકવામાં આવ્યું હતું,એમ સુરત મર્કન્ટાઇલ એસો.ના નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું.ગતરોજ શહેર પોલીસ વિભાગે આથક છેતરપિંડી અને ઉઠમણાંના મુદ્દે કેવી કામગીરી કરી છે,તેની વિગતો વેપારીઓ સાથેની મિટિંગમાં સાંઝી કરી હતી.

