નવી દિલ્હી : સરકારે આધાર કાર્ડની ફોટોકોપી કોઈપણને શેર કરવા સામે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરી રવિવારે પાછી ખેંચી લીધી હતી.અગાઉ UIDAIની બેંગલુરુ સ્થિત રિજનલ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું જેમાં લોકોને આધાર કાર્ડની ફોટોકોપી કોઈને શેર ન કરવાની સલાહ આપવામાં આવી હતી.તેનો દુરુપયોગ થઈ શકે તેવા કારણથી તેણે આ એડવાઈઝરી જાહેર કરી હતી.તેમાં કહેવાયું હતું કે જરૂરી હોય તો માસ્ક્ડ આધાર શેર કરવું જોઈએ કારણ કે તેમાં માત્ર આધાર નંબરના ચાર આંકડા જ ડિસ્પ્લે થાય છે.
જોકે ત્યારબાદ આ અંગે ખાસ્સી ચર્ચા અને વિવાદ થયા હતા.તેને પગલે અંતે રવિવારે આ એડવાઈઝરી પાછી ખેંચી લેવાઈ છે.ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે યુઆઈએડીઆઈની પ્રેસ રિલીઝનું ખોટું અર્થઘટન થવાની સંભાવના હોવાથી આ રિલીઝ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવાઈ છે.મંત્રાલયે કહ્યું હતું કે યુઆઈએડીઆઈએ જોકે એ સ્પષ્ટતા કરી હતી કે માસ્ક્ડ આધારનો ઉપયોગ જરૂર પડે તો કરી શકાય કારણ કે તેમાં ચાર ડિજિટ જ ડિસ્પ્લે થતા હોય છે.એટલું જ નહીં,આ એડવાઈઝરી આધાર નંબરનો ઉપયોગ કરતી વખતે કે શેર કરતી વખતે સામાન્ય સાવચેતી રાખવા અંગેની હતી. આધાર આઈડેન્ટિટી ઓથેન્ટિફિકેશન ઈકોસિસ્ટમે વ્યક્તિની ઓળખ અને પ્રાઈવસીની પુરતી સુરક્ષા અને સલામતી માટેના પૂરતા ફીચર્સ પ્રોવાઈડ કર્યા છે.

