અમદાવાદ : રખિયાલમાં ધાક જમાવવા માટે બે શખ્સોએ શ્રમજીવીને મધરાતે બોલાવ્યો હતો અને કોઇપણ જાતનો ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહીને શ્રમજીવી યુવક અને તેના મિત્ર ઉપર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મધરાતે બોલાવીને ધમકી આપીને બે યુવકો ઉપર જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી ગયા આ કેસની વિગત એવી છે કે રખિયાલ વિસ્તારમાં અર્બનનગર પાસે ગુ.હા.બોર્ડના મકાનમાં રહેતા અને છૂટક મજૂરી કરતા મોહંમદ આશીફ મોહંમદ સલીમ શેખ(ઉ.વ.૩૭)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફેઝાન ઉર્ફે પતલી ઇમ્તીયાક કુરેશી અને દાઉદ ઉર્ફે કાલીયા યાકુબખાનના છોકરા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેનો મિત્ર ગઇકાલે રાતે ઘર પાસે બેઠા હતા આ સમયે રાતે બે વાગે ફેઝાન ઉર્ફે પતલી કુરેશીએ ફોેન કર્યો હતો જો કે બે દિવસથી ધંધા બાબતે તકરાર ચાલતી હતી,જેને લઇને આરોપીએ વાતચીત કરવા માટે રખિયાલમાં બાપુનગર જનરલ હોસ્પિટલ પાસેના આવાજ ઘરના મેદાનમાં બોલાવ્યા હતા.
જેથી ફરિયાદી અને તેનો મિત્ર આકાસપાલ ત્યાં ગયા હતા,ત્યાં ફેઝાન ઉર્ફે પતલી કુરેશી અને દાઉદ ઉર્ફે કાલીયા યાકુબ કાલીયાનો છોકરો હાજર હતા જ્યાં બન્ને જણાએ કહ્યું કે તમારે કોઇપણ ધંધો કરવો હોય તો અમોને ખર્ચો આપવો પડશે તો યુવકે ખર્ચ આપવાની ના પાડતાં ગાળો બોલીને તકરાર કરી હતી અને ફેઝાન પતલીએ છરીથી હુમલો કરીને પગના જાંગ પર ઘા માર્યો હતો આ સમયે મિત્ર છોડાવવા વચ્ચે પડતાં તેના ઉપર પણ છરીથી હુમલો કરતાં હાથની આંગળી પર ઘા મારીને ઢોર માર માર્યો હતો બુમાબુમ થતાં લોકો દોડી આવ્યા હતા આ સમયે આરોપીઓ નાસી ગયા હતા.ગંભીર રીતે ઘાયલ બન્ને યુવકોને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


