સુરત : પુત્રએ વેચાણ માટે લીધેલા રૂ.19 લાખના હીરાના બાકી પેમેન્ટ માટે ડભોલીના એમ્બ્રોઇડરીના કારખાનેદારનું અપહરણ કરી ગોંધી રાખી માર મારનાર હીરા વેપારી સહિત ચાર વિરુદ્ધ સિંગણપોર પોલીસે ગુનો નોંધી હીરા વેપારી સહિત બે ની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વલ્લભપુરના મેલાણા ગામના વતની અને સુરતમાં ડભોલી ગામ કેન્સર હોસ્પિટલની પાછળ સાંઈ દર્શન સોસાયટી ઘર નં.2 માં રહેતા 48 વર્ષીય વિજયભાઈ રામજીભાઈ કીકાણી કતારગામ જીઆઈડીસી ખાતે માધવ આર્ટના નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે.દિવાળી અગાઉ હોરાનો વેપાર કરતા તેમના 23 વર્ષીય પુત્ર દિશીલે દલાલ રણછોડભાઈ મારફતે રૂ.19 લાખના હીરા હીરા વેપારી પ્રદીપભાઇ મિયાણી(રહે.ચીકુવાડી,હીરા મંદિર,વરાછા,સુરત)પાસેથી લઈ એક વેપારીને આપ્યા હતા.પરંતુ તે વેપારીએ પૈસા નહીં ચુકવતા દિશીલ પ્રદીપભાઈને પેમેન્ટ કરી શક્યો નહોતો.આથી તે ઉઘરાણી કરતા હતા.તેને લીધે દિશીલે ગત 23 ઓક્ટોબર 2021 ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.તે અંગે ચોકબજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.
દરમિયાન,છેલ્લા પાંચ મહિનાથી પ્રદીપભાઈએ ફરી ઉઘરાણી શરૂ કરી હતી અને ગત શનિવારે બપોરે રણછોડભાઈ મારફતે ફોન કરાવી વિજયભાઈને તેમના ઘર નજીક હંસ એવન્યુના ખૂણા પાસે મળવા બોલાવી ત્રણ બાઈક પર આવેલા પ્રદીપભાઈ અને તેમની સાથેના અન્ય ત્રણ વ્યક્તિ માર મારી અપહરણ કરી વરાછા યોગીચોક ખાતે લઈ ગયા હતા.ત્યાં તેમને એક રૂમમાં ગોંધી રાખી બાકી રકમના બદલામાં મકાન નામ પર લખી આપવા દબાણ કર્યું હતું.પણ વિજયભાઈ તાબે થયા નહોતા.દરમિયાન,વિજયભાઈના પત્નીએ તેમના અપહરણની જાણ પોલીસને કરતા પ્રદીપભાઈ અને અન્યો તેમને પુણા ગામ રચના સર્કલ પાસે છોડીને ભાગી ગયા હતા.

