સુરત : નર્મદ યુનિવર્સિટીના કુલપતિ હોય કે પછી કોઇ પણ અધિકારી તેમની ચેમ્બરના એ.સી બંધ થઇ જાય તો તત્કાળ રીપેર થઇ જાય છે.પરંતુ હજ્જારો વિદ્યાર્થીઓ જયાં બેસીને વાંચન કરે છે.તે કેમ્પસની લાઇબ્રેરીમાં તમામ એ.સી બંધ હોવાથી વિદ્યાર્થીઓને વાંચવાની તકલીફો પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે.નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીમાં મોટી સંખ્યામાં પુસ્તકો,જર્નલ અને મેગેઝીન હોવાથી વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હોય છે.
આ લાઇબ્રેરીને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ ઇન્ચાર્જ રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે કે લાઇબ્રેરીના તમામ એ.સી બંધ હોવાથી વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફો આવી રહી છે.આ ગરમીના સમયમાં કુલપતિ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર કે કોઇ પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે અધિકારીના જો કેબીનમાં એ.સી બંધ થઇ જાય તો એક દિવસમાં ચાલુ કરી દેવામાં આવે છે.અથવા તો નવુ એ.સી ફીટ થઇ જાય છે.તો વિદ્યાર્થીઓને અન્યાય શા માટે ? વિદ્યાર્થીઓને તકલીફો પડતી હોય એ.સી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગ કરાઇ હતી.કુલપતિની ચેમ્બર બહાર વિઝીટીંગ રૃમમાં અને લોબીમાં કોઇ વિઝીટર ન હોય તો પણ એકકંડીશન ચાલુ હોય છે.એકબાજુ વિદ્યાર્થીઓ એ.સી વગર ગરમીમાં શેકાઇ રહ્યા છે.જયારે બીજી બાજુ કુલપતિની કેબીનની બહાર વિઝીટીંગ રૃમમાં તેમજ લોબીમાં મોટા મોટા એ.સી ફીટ કરવામાં આવ્યા છે.અને કોઇ બેઠુ ના હોય તો પણ આ એ.સીઓ ચાલુ જ રહેતા હોય છે.આ એ.સી બંધ કરી વિદ્યાર્થીઓના હિતમાં સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે એ.સીની વ્યવસ્થા કરવા સેનેટ સભ્યે માંગ કરી છે.

