બારડોલી : બારડોલીની સાધના નગર સોસાયટીમાં રહેતી માસીને ત્યાં વેકેશનમાં માતા અને બહેન સાથે રહેવા આવેલો 9 વર્ષીય બાળક ગુમ થઈ ગયા બાદ તેનો મૃતદેહ મળસ્કે 2 વાગ્યે નજીકથી પસાર થતી નહેરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.રમતી વખતે બાળક નહેરમાં પડી જતાં તેનું મોત થયું હોવાનું પોલીસ જણાવ્યુ હતું.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામે નાગર ફળિયામાં રહેતા કિશોરસિંહ ગુણવંતસિંહ વાંસીયા ગ્રામ પંચાયતના વોટરવર્કસમાં કામ કરે છે.તેમના પરિવારમાં પત્ની દિપીકા,પુત્રી હેતવી(ઉ.વર્ષ 13)અને પુત્ર નૈતિક(ઉ.વર્ષ 9)છે.હેતવી ધોરણ 8માં અભ્યાસ કરે છે.જ્યારે પુત્ર ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.હાલ વેકેશન ચાલી રહ્યું હોય કિશોરસિંહની પત્ની દિપીકા તેના બંને સંતાનો સાથે 29મી મેના રોજ બારડોલીના ગાંધીરોડ પર આવેલી સાધના નગર સોસાયટીમાં રહેતી બેન કિન્નરીબેન જીતેન્દ્રસિંહ સોલંકીને ત્યાં રહેવા માટે ગયા હતા.
સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ નૈતિક ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો.મોડી સાંજ સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.દરમ્યાન સોસાયટીના CCTV કૅમેરા તપાસતા નૈતિક સાડા 6 વાગ્યાની આસપાસ નજીકથી પસાર થતી નહેરની પાળી પર ચાલતો નજરે પડ્યો હતો.આથી પોલીસે બારડોલી ફાયર વિભાગની મદદથી બાળકની નહેરમાં શોધખોળ હાથ ધરી હતી.મોડી રાત સુધી તપાસ કર્યા બાદ મંગળવારે મળસ્કે 2 વાગ્યે સાધના નગરથી બે કિમી દૂર નહેરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.એકના એક પુત્રનું નહેરમાં ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો.હાલ પોલીસે મૃતક બાળકના પિતા કિશોરસિંહની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


