સુરત : સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨૦ ના કોર્પોરેટરના જયેશ જરીવાલાના નિધન બાદ આજે પાલિકાની સામાન્ય સભા શ્રધ્ધાંજલી આપીને મુલત્વી રખાઇ હતી.પણ આ સભામાં વિપક્ષનું વર્તન ચર્ચાનો મુદ્દો બન્યું હતું.આજની સામાન્ય સભામાં શાસકપક્ષના પદાધિકારીઓ, સ્લમ અધ્યક્ષ સહિત કેટલાક નગરસેવકોએ સ્વ.જયેશ જરીવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પરિવારને મદદરૂપ થવા ભાજપના કોર્પોરેટરોએ એક મહિનાનો રૂા.૧૫ હજાર પગાર આપવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે ભાજપના પચ્ચીસ કોર્પોરેટરોએ
કુલ રૂા.૨૫ હજાર આપવાની જાહેરાત કરી હતી.કોર્પોરેટરનું અવસાન થાય ત્યારે સામાન્ય સભામાં પક્ષાપક્ષી જોવા મળતી નથી.બંને પક્ષના પદાધિકારી,કોર્પોરેટરો શ્રધ્ધાંજલિ આપે છે.આજે પરંપરા તૂટી હતી, શાસકપક્ષના પદાધિકારીઓ અને સભ્યોએ શ્રધ્ધાંજલિ આપી હતી.જ્યારે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ સભા બાદ મેયરને સંબોધીને એક પત્ર લખ્યો હતો.તેમાં મૃતક કોર્પોરેટરને શ્રધ્ધાંજલિ પાઠવી આવી રીતે ચાલુ ટર્મમાં નગરસેવક કે ચાલુ ફરજે કર્મચારી,અધિકારીનું અવસાન થાય તો તેમના પરિવારના બાળકોના અભ્યાસની જવાબદારી પાલિકાએ ઉપાડવા અંગે ગંભીરતાથી વિચાર કરવા માંગણી કરી હતી.સભામાં શ્રધ્ધાંજલિ કે સહાય નહી આપ્યા બાદ મેયરને લખાયેલો પત્રનો મુદ્દો મ્યુનિ.કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

