અમદાવાદ : બુધવાર,1 જુન,2022 : મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી વીકલી રીવ્યુ કમિટીની બેઠકમાં શહેરમાં રખડતા ઢોર અંગેની કામગીરીને વધુ અસરકારક બનાવવા કમિશનરે અધિકારીને તાકીદ કરી હતી.ઉપરાંત વરસાદ પહેલા રોડના કામો પુરા કરવા તેમજ વેકિસનેશનની કામગીરીને લઈને પણ ટકોર કરી હતી.અમદાવાદમાં સી.એન.સી.ડી.ની ટીમો દ્વારા બે શિફટમાં વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરાઈ રહી છે.આ વર્ષમાં અત્યારસુધીમાં ૨૭૨૦ પશુઓ પકડવામાં આવ્યા છે.હાલમાં રોજના ૭૦ પશુઓ પકડવામાં આવે છે.અત્યારસુધીમાં ૨૭૦ પશુઓ છોડાવનારા પશુ માલિકો પાસેથી ૧૪.૪૮ લાખનો દંડ વસુલ કરાયો છે.૧૭૦ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ સી.એન.સી.ડી.ના અધિકારીને વેધક સવાલ કરતા પુછયું હતુ કે,શું તમને તમારા વિભાગની કામગીરીથી સંતોષ છે? શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરીને હજુ વધુ અસરકારક બનાવો.શહેરમાં વરસાદનું આગમન થાય એ પહેલા રોડ રીસરફેસને લગતી જેટલી પણ કામગીરી બાકી હોય એ કામગીરી પુરી કરવાની સાથે કોરોના વેકિસનેશનની ધીમી પડેલી કામગીરીને પણ ઝડપી બનાવવા અંગે ટકોર કરી હતી.


