અમદાવાદ : બુધવાર, 1 જુન,2022 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેકસ રીબેટ યોજના હેઠળ ૩૧ મે સુધીમાં ૪.૩૨ લાખ લોકોએ લાભ લેતા તંત્રને મિલકતવેરા પેટે ૪૪૧.૭૪ કરોડ આવક થવા પામી હતી.શહેરમાં બાકી રહેતા ૧૬ લાખ કરદાતાઓ પણ આ યોજના હેઠળ મિલકતવેરો ભરે એ માટે ટેકસ વિભાગ તરફથી પત્ર મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.૨૨ એપ્રિલથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાના સમય માટે એડવાન્સ ટેકસ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાના ૨૧ મે સુધીના પહેલા તબક્કામાં કુલ ચાર લાખ લોકોએ અને ૩૧ મે સુધીમાં વધુ ૩૨ હજાર એમ કુલ મળીને ૪.૩૨ લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,આ યોજના હેઠળ વધુ કરદાતાઓ લાભ લે એ માટે બાકી રહેલા રહેણાંક અને કોમર્શિયલ એમ બંને પ્રકારની મિલકતના કરદાતાઓને મિલકતવેરો ભરી વધુ વળતર મેળવવા વ્યકિતગત પત્ર લખવામાં આવશે.જેના કારણે કરદાતાને વધુ વળતર મળે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થાય.
કરદાતાઓને ટેકસ વિભાગ તરફથી જે પત્ર મોકલવામાં આવશે એમાં ટેનામેન્ટ નંબરની સાથે વર્ષ-૨૦૨૨-૨૩માં ભરવાની થતી ટેકસની રકમની સામે કેટલુ વળતર મળી શકશે એની વિગત પણ મોકલવામાં આવશે.હાલમાં ૨૧ જુન સુધી ૯ ટકા વળતરની જોગવાઈ છે.ઓનલાઈન ટેકસ ભરનાર કરદાતાને એક ટકો વધુ વળતર અપાશે.પહેલા તબકકામાં જે મોટી રકમના કરદાતાઓ છે એમને પત્ર લખવામાં આવશે.


