સુરત : સુરતના સારોલી કુબેરજી માર્કેટમાં દુકાન શરૂ કરી અઠવાડીયામાં પેમેન્ટનો વાયદો કરી કરોડોમાં ઉઠમણું કરનાર રાજસ્થાની વેપારી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.3.17 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી છે.રાજસ્થાની વેપારીની ઠગાઈનો ભોગ વધુ બન્યા હોવાની આશંકા છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાલનપોર જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં કાસાકીંગ બી/401 માં રહેતા 45 વર્ષીય પ્રદીપભાઈ ગોવિંદરામ બકસાની રીંગરોડ ગોલ્ડન પ્લાઝામાં સતનામ ટેક્ષટાઈલના નામે ભિવંડી અને માલેગાંવથી ગ્રે કાપડ લાવી સુરતમાં વેચે છે.પાંડેસરાની એક મિલમાં નોકરી કરતા પરિચિત ડાઈંગ માસ્તર સંજય ઠાકોરનો રેફરન્સ આપી સપ્ટેમ્બર 2021 માં વેપારી સંજય કનૈયાલાલ ખત્રીએ ફોન કરી જણાવ્યું હતું કે હું સવાઈ માધુપુરથી આવ્યો છું,મારા પિતાનો નિવાઈમંડી જયપુર ખાતે તેલનો હોલસેલ વેપાર છે અને મેં હાલ સારોલી કુબેરજી માર્કેટમાં રુદ્રાક્ષ ટેક્ષટાઈલના નામે ફિનિશ કાપડનો વેપાર શરૂ કર્યો છે.સંજય ખત્રીએ અઠવાડીયામાં પેમેન્ટનો વાયદો કરતા પ્રદીપભાઈએ તેની સાથે વેપાર શરૂ કરી 20 સપ્ટેમ્બર 2021 થી 22 માર્ચ 2022 દરમિયાન કુલ રૂ.1,99,39,047 નો માલ મોકલ્યો હતો.
તે પૈકી રૂ.1,36,81,834 ટુકડેટૂકડે ચૂકવી સંજયે રૂ.62,57,213 નું પેમેન્ટ બાકી રાખ્યું હતું.તેની ઉઘરાણી કરતા સંજયે પહેલા તો વાયદા કર્યા હતા પણ ત્યાર બાદ તે દુકાન અને મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો.પ્રદીપભાઈને બાદમાં જાણ થઈ હતી કે સંજયે કરોડોમાં ઉઠમણું કર્યું છે અને તેમની જેમ 42 વેપારી,દલાલ અને ટ્રાન્સપોર્ટરના રૂ.2,54,36,452 ચૂકવ્યા નથી.ભોગ બનેલા તમામ વતી પ્રદીપભાઈએ આજરોજ ક્રાઈમ બ્રાન્ચમાં સંજય વિરુદ્ધ કુલ રૂ.3,16,93,665 ની ઠગાઈની ફરિયાદ નોંધાવતા આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ સાગર પ્રધાને વધુ તપાસ હાથ ધરી છે.સંજયની ઠગાઈનો ભોગ વધુ બન્યા હોવાની આશંકા છે.

