ગાંધીનગર : કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તે પૂર્વે સોશિયલ મીડિયામાં હાર્દિકની ભારે ધોલાઇ કરાઇ હતી.અત્યાર સુધી હાર્દિક સામે લડત આપતા ભાજપના કાર્યકરોને હાર્દિકના ભાજપના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખુરશીની સાફસફાઇ કરીને તેની આગતા સ્વાગતામાં ખડા પગે રહેવું પડશે તેવો કટાક્ષ સંદેશાઓમાં મુખ્ય રહ્યો હતો.તો ભાજપના કાર્યકરોના છુપા ગણગણાટનો પડઘો પણ કેટલાક મેસેજમાં દેખાયો હતો જેમાં હાર્દિકનો ભાજપ પ્રવેશ પક્ષને ભવિષ્યમાં કોંગ્રેસની જેમ જ મોંઘો પડશે તેવો સૂર પણ દેખાયો હતો.
હાર્દિક પટેલનો ભાજપ પ્રવેશ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા સહિત ભાજપના એક વર્ગમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક નેતાઓને ભાજપમાં લેવાયા છે પરંતુ ભાજપના મોવડી મંડળના આ નિર્ણય સામે ખાસ કરીને સંખ્યાબંધ યુવા કાર્યકરો નારાજ છે.તેમના કહેવા મુજબ સ્થિતિ એવી છે કે જો એકાદ-બે કાર્યકરો પણ અવાજ ઉઠાવશે તો અનેક લોકો તેમને સાથ આપીને હાર્દિકનો વિરોધ કરવા તૈયાર છે.
આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર યુવા હાર્દિક પટેલ ગુરુવારે બપોરે ૧૨ વાગે ભાજપમાં જોડાશે.કમલમ્ ખાતે કોંગ્રેસના બે આગેવાનોના પ્રવેશ માટે તૈયારીઓ કરવામાં આવી છે એમાં કોંગ્રેસના આગેવાન નરેન્દ્ર બ્રહ્મભટ્ટની દીકરી શ્વેતા બ્રહ્મભટ્ટ પણ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરશે.ત્યાર બાદ હાર્દિક પટેલને વાજતે-ગાજતે પોંખવામાં આવશે.અગાઉ એવી અટકળો હતી કે,હાર્દિક સાથે કોંગ્રેસમાંથી અન્ય આગેવાનો પણ સામેલ થશે,પરંતુ હાલ તો હાર્દિક પટેલ પ્રમુખ પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રવેશ કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અન્ય કાર્યક્રમોમાં હોવાથી હાજર રહેશે નહીં.


